ડાયરેકટરે વેબસાઈટમાં સર્ચ કરતા ખુલાસો
વટવા જીઆઇડીસીમાં સેલ્સ એન્જિનિયર યુવકે કંપનીની પ્રોડક્ટના ફોટા નવી બનાવેલ વેબસાઇટમાં અપલોડ કરીને એમઓયુનો ભંગ કર્યો હતો. જેમાં યુવકે નોકરી પણ છોડી દીધી હતી. જ્યારે કંપનીના ડાયરેક્ટર દ્વારા વેબસાઇટમાં સર્ચ કરતા ભાંડો ફૂટ્યો હતો. આ અંગે કંપનીના એચ.આર.મેનેજરે યુવક સામે વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
જશોદાનગરમાં રહેતા જયેશભાઈ પટેલ વટવા જીઆઇડીસીમાં ખાનગી કંપનીમાં એચ.આર.મેનેજર તરીકે નોકરી કરે છે. તેમની કંપનીમાં પીપી ટેન્ક એ.એફ.ઈ સિસ્ટમનું પ્રોડક્શન કરે છે. જ્યારે કંપનીમાં વત્સલ સોની ફેબ્રુઆરી 2022માં નોકરી પર સેલ્સ એન્જિનિયર તરીકે લાગ્યો હતો.
ત્યારે કંપનીએ એમઓયુ કર્યા હતા, કે કંપનીની કોઈ પણ માહિતી બહાર ન જાય. ત્યારે વત્સલે ગત 31 જાન્યુઆરી 2025માં રાજીનામુ આપીને નોકરી છોડી દીધી હતી. ગત 5 જૂને કંપનીના ડાયરેકટર હર્ષ પટેલે ધંધાને લગતી જુદી-જુદી વેબસાઇટ સર્ચ કરતા હતા. તે દરમ્યાન એક વેબસાઈટમાં તેમની કંપનીની પ્રોડક્ટના ફોટા અપલોડ કરેલ હતા. જેથી આપેલ નંબર પર ફોન કરતા નીલ પટેલ હતુ. પરંતુ વાત કરતા વત્સલ સોની હોવાનો ખ્યાલ આવી ગયો હતો. જ્યારે વત્સલ નોકરી કરતો હતો તે સમયે ફોટાઓ પાડી તેની વેબસાઈટમાં અપલોડ કરીને એમઓયુનો ભંગ કર્યો હતો. આ અંગે કંપનીના મેનેજરે વત્સલ સોની સામે વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.