
પંજાબ અને હરિયાણા હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
ડોક્ટર કમ્પ્યુટરાઈઝ્ડ અથવા કેપિટલ લેટર્સમાં ડાયગ્નોસિસ અને દવાઓ લખે તેવો કોર્ટનો આદેશ
પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે ઐતિહાસિક નિર્ણયમાં જણાવ્યું છે કે દર્દીઓને વાંચી શકે તેવી મેડિકલ પર્ચી અને ડાયગ્નોસિસ આપવું તેમનો મૂળભૂત અધિકાર છે. આ નિર્ણયમાં ન્યાયમૂર્તિ જસગુરપ્રીત સિંહ પુરીએ 27 ઓગસ્ટે જણાવ્યું કે આ અધિકાર ભારતીય બંધારણના કલમ 21 હેઠળ જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકારનો ભાગ છે. નેશનલ મેડિકલ કમિશનને આદેશ આપવામાં આવ્યો છે કે મેડિકલ કોલેજોના અભ્યાસક્રમમાં સ્પષ્ટ હેન્ડરાઇટિંગના મહત્ત્વને પણ સામેલ કરવામાં આવે જેથી લાંબા ગાળે દર્દીઓને લાભ થાય.
કોર્ટએ પંજાબ, હરિયાણા અને ચંડીગઢના ડોક્ટરોને આદેશ આપ્યો છે કે જ્યા સુધી કમ્પ્યુટરાઇઝ્ડ અથવા ટાઈપ કરેલા પ્રિસ્ક્રિપ્શન લાગુ ન થાય, ત્યારે તેઓ કેપિટલ લેટરમાં પ્રિસ્ક્રિપ્શન અને ડાયગ્નોસિસ લખવાનું રાખે. કમ્પ્યુટરાઇઝેશનને લાગુ કરવા માટે વ્યાપક નીતિ બનાવવાની અને જરૂર પડે તો ડોક્ટરો અને ક્લિનિકોને આર્થિક મદદ આપવાની પણ ભલામણ કરવામાં આવી છે. આ કામગીરી આગામી બે વર્ષમાં પૂર્ણ કરવાની તાકીદ પણ કરવામાં આવી છે.
અસ્પષ્ટ હેન્ડરાઇટિંગથી દર્દીઓના જીવને જોખમ
કોર્ટએ જણાવ્યું કે આજના ડિજિટલ યુગમાં, જ્યારે દરેક માહિતી એક ક્લિક પર ઉપલબ્ધ છે, ત્યારે દર્દીઓને તેમની પર્ધી વાંચવાનો અધિકાર હોવો જોઈએ, અસ્પષ્ટ હેન્ડરાઇટિંગથી ગેરસમજ અને ભ્રમ થાય છે, જે દર્દીની જિંદગી માટે જોખમકારક બની શકે છે.