ડિલિવરી આપવા આવેલો શખ્સ કારની ચાવી લઈ ફરાર
ડીસીપી ઝોન-4 એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી, ત્યારે કોન્સ્ટેબલ પરેશકુમાર અણદાભાઈને બાતમી મળી હતી કે, નરોડા સ્વામી નારાયણ પાર્કના બ્લોક નંબર ડી-59 ના પાર્કિંગમાં એક વ્યકિત દારૂ બિયરનો જથ્થો લઈ સગેવગે કરવાની ફિરાકમા છે. બાતમીના પગલે પોલીસટીમે સ્થળ પર જઈ રેડ કરતા મહાદેવ ઉર્ફે સંજય ફૌજી તુલસીરામ સીદામ(ઉ.65 રહે.નીલકંઠ પાર્ક સોસાયટી, સરદારનગર) પકડાયો હતો.
પોલીસે હોન્ડા સીટી કારમાં તપાસ કરતા અંદરથી વિદેશી બનાવટના દારૂ અને બિયરની 888 બોટલો કિંમત રૂ. 2,56,920 ની મળી આવી હતી.
પોલીસે મહાદેવ સીદામની પુછપરછ કરતા તેણે કહ્યું હતું કે આ દારૂનો જથ્થો કારમાં લઈને શંકર મારવાડી નામનો વ્યકિત આવ્યો હતો જેપોલીસને જોતા કારની ચાવી લઈને નાસી છૂટયો છે. આ દારૂ પોતે છૂટક ગ્રાહકોને વેચવા માટે મંગાવ્યો હોવાની કબૂલાત મહાદેવ સીદામે કરી હતી. ઝોન-4 એલસીબીએ આ મામલે નરોડા પોલીસ સ્ટેશનમાં મહાદેવ અને શંકર મારવાડી સામે ગુનો દાખલ કરાવી તપાસ નરોડા પોલીસને સોંપી છે.
સરદારનગર પોલીસને બાતમી મળી હતી કે વાલ્મિકી આવાસ યોજનાના બ્લોક નંબર 13 પાસે જાહેર રોડ પર એક વ્યકિત દારુનુ વેચાણ કરે છે. પોલીસે સ્થળ પર રેડ કરીને હર્ષદ ઉર્ફે અશ્વિન મેતાજી(રહે. ઠાકોરવાસ કુબેરનગર) પકડીને તપાસ કરતા તેની પાસેથી પેટીઓ મળી આવી હતી જેમાંથી વિદેશી દારૂની 96 બોટલો મળી હતી. આ મામલે સરદારનગર પોલીસે આરોપીની ધરપકડ કરી છે.