
નકલી ડોક્ટરોના અસલી કારનામા ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં બોગસ તબીબોના ગરીબ પ્રજાના આરોગ્ય સાથે બેફામ અખતરા
5 બોગસ તબીબે સ્વસ્થ માણસને કહ્યું BP ઓછું છે, દાખલ થવું પડશે, એક બોટલના 800 રૂપિયા થશે
35થી વધુ બોગસ ડૉક્ટરો નકલી હોસ્પિટલ બનાવી પ્રેક્ટિસ કરે છે
ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં નકલી દવાખાનાઓ અને બોગસ તબીબો રૂપિયાની લાલચમાં ગરીબ પરિવારોના શરીર અને દર્દ સાથે બેફામ અખતરા કરી રહ્યા છે. ધોરણ 10 અને 12 પાસ તબીબો બનીને ઘરમાં જ હોસ્પિટલ ખોલી દર્દીને જોતા જ દાખલ થઈ જવા અને બોટલ ચડાવી દેતા હોવાનો સ્ટિંગમાં પર્દાફાશ થયો છે.
કપરાડા તાલુકામાં આવા અનેક તબીબો અને 35 જેટલી હોસ્પિટલો ધમધમી રહી છે. ટીમ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના દુર્ગમ વિસ્તારમાં ટીમના જ સભ્યને લઈ ને પહોંચ્યા ક્યાંક આરોગ્ય કેન્દ્રોની નજીક, તો ક્યાંક તાલુકા આરોગ્ય કચેરીની નજીક બોગસ તબીબો દ્વારા હાટડીઓ ખોલવામાં આવી હોવાછતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવે છે. કેદ થયેલી આવી ઘટનાઓનો જીવંત ચિતાર. દૃશ્ય છે કપરાડા તાલુકાના અંતરિયાળ ગામનું. હોસ્પિટલ કે ડોક્ટરના નામઠામ વગરના એક કાચા મકાનમાં પ્રવેશતાં જ ઓટલા પર દર્દી સૂઇ રહ્યો હતો અને તેને બોટલ ચઢાવવામાં આવી રહી હતી.
અંદરની બાજુ ડોક્ટરને બેસવાની ખુરશી અને બાજુમાં દવાઓનો ઢગલો. અમારા પહોંચતાની સાથે ઉપરના ભાગે કોઇ વસ્ત્ર પહેર્યા વગર માત્ર લૂંગીધારી આધેડ ડોક્ટરના સ્વાંગમાં આવેલા શખસે પૃચ્છા કરી, શું કામ છે ? અમે દર્દીને લઇને આવ્યાનું જણાવતા અમારી સામે જ ઉપરનું ખમીસ પહેરતાં પહેરતાં બોલ્યા શું તકલીફ છે ? અમે પગમાં દુખાવો થતો હોવાનું જણાવતા બંગાળી મિશ્રિત હિન્દી ભાષામાં તેણે અમે ક્યાંથી આવ્યા છો તેમ પૂછી થોડી ખરાઇ કરવાનો પ્રયાસ કર્યો. તેને ચિકિત્સા પદ્ધતિનું લગીરે ધ્યાન ના હોવા છતાં બ્લડ પ્રેશર ચેક કર્યું અને પ્રેશર ખૂબ ઓછું હોવાનું કહી તાત્કાલિક દાખલ થવાની વાત કરી એક બોટલ ચડાવવાના 800 રુપિયાનો ખર્ચ બતાવ્યો.
જોકે, અમે દાખલ થવાની ના પાડતા પોતાની પાસે રાખેલી દવાઓ આપી રુ. 250 લઇ ફરી બતાવવા આવજો એમ જણાવ્યું. ત્યાંથી બીજા એક ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી 200 મીટરના અંતરે આવેલી આવી જ એક નકલી હોસ્પિટલમાં પહોંચ્યા તો ત્યાં પણ બોગસ તબીબની કપડાં બાબતે આ જ હાલત હતી. થોડું ઘણું ચેક કર્યા બાદ તેણે પણ એડમિટ થવાનો આગ્રહ કરી રુ. 600થી 2 હજાર સુધીનો ખર્ચ બતાવ્યો. દાખલ થવાની ના પાડતા દવાઓ લઇ અમે રવાના થયા. રસ્તે પરત ફરતાં શોપિંગ સેન્ટરના ભોંયરામાં ચાલતા નામઠામ વગરની હોસ્પિટલમાં ગયા તો ત્યાં દર્દીઓ માટે 7 થી 8 ખાટલા પાથરેલાં હતા.