ફોન કરનારને ઠપકો આપતા અદાવત રાખી હેરાન કરતો હતો
વટવામાં રહેતા યુવકે તેની કોટુંબિક બહેનને ફોન અને મેસેજ કરીને હેરાન કરતા એક યુવકને આઠ મહિના પહેલા ઠપકો આપ્યો હતો. જેની અદાવત રાખી તે અવારનવાર યુવકની સાથે બોલાચાલી કરતો હતો.આ અંગે યુવકના મોટાભાઈને જાણ થતા તેઓ સમજાવવા ગયા ત્યારે ફોન કરનારા યુવક અને તેના સબંધીઓએ પાઈપ અને દંડાથી માર માર્યો હતો. આ અંગે ચાર વ્યકિતઓ સામે વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચારે સામે ગુનો નોંધી તપાસ
હાથ ધરી છે. વટવામાં રહેતા કલ્પેશભાઈ મહેરીયા સાણંદની એક કંપનીમાં નોકરી કરી પરિવારનુ ગુજરાન ચલાવે છે. આઠ મહિના પહેલા તેમની બાજુની સોસાયટીમાં રહેતો કૃણાલ મહેરીયા કલ્પેશભાઈની કૌટુંબિક બહેનને ફોન અને મેસેજ કરતો હતો.આ વાતને લઈને ઝઘડો થતા કલ્પેશભાઈના ભાઈ સુધીરે કૃણાલને ઠપકો આપ્યો હતો. જે તે સમયે થયેલા ઝઘડાની અદાવત રાખી કૃણાલ અવારનવાર સુધીરને રસ્તામાં રોકીને હેરાન પરેશાન કરતો હતો.
દરમિયાન સોમવારે સવારના સમયે કૃણાલને મંદિર પાસે જોતા કલ્પેશભાઈ તેન પાસે ગયા હતા અને તેમના ભાઈ સુધીરને હેરાન નહી કરવાનુ કહી સમજાવટ કરતા હતા.આ સમયે કૃણાલ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળાગાળી કરીને ઝઘડવા લાગ્યો હતો.
આ સમયે કૃણાલનો ભાઈ નરેન્દ્ર ભીખાભાઈ મહેરીયાએ લોખંડની પાઈપનો ફટકો મારતા કલ્પેશભાઈ નીચે પડી ગયા હતા. દરમિયાન કૃણાલે લાકડી લઈ મારવા જતા કલ્પેશભાઈને હાથે મૂઢ ઈજા થઈ હતી. બીજીબાજુ કૃણાલના પિતા ભીખાભાઈ તથા તેના કાકાનો દિકરો જૈમિને પણ તેમને ગડદાપાટુનો માર માર્યો હતો. આ સમયે બૂમાબૂમ કરતા આસપાસના લોકોએ આવીને તેમને વધુ માર મારવાથી બચાવ્યા હતા. કલ્પેશભાઈએ આ મામલે વટવા પોલીસમાં કૃણાલ, નરેન્દ્રભાઈ મહેરીયા, ભીખાભાઈ મહેરીયા અને જૈમિન મુકેશભાઈ મહેરીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.