
ખાનગી ભારે માલ વાહક ગાડીઓ દ્વારા બંને તરફની રેલિંગો તોડી દેવાઈ, નોટિસ બોર્ડ શોભાના ગાંઠિયા
ગંભીરા બ્રિજ બાદ જર્જરિત કેનાલનો બ્રિજ બંધ કરવાના જાહેરનામાનો સરેઆમ ભંગ
ગંભીરા બ્રિજ દૂર્ઘટના બાદ દરેક જગ્યાએ બ્રિજની સધન ચકાસણી કરીને જર્જરિત જણાતા બ્રિજના સમારકામ સહિતના આદેશો આપવામાં આવી રહ્યા છે. ત્યારે શહેરના વટવા જીઆઈડીસીમાં ખારીકટ કેનાલનો મચ્છુનગર બ્રિજ પણ જર્જરિત હોવાનું જણાતા તેના પરથી મોટા-મધ્યમ અને ભારે માલ વાહક તથા પેસેન્જર વાહનો માટે પ્રતિબંધ લગાવી દેવાયો છે. શહેર પોલીસ કમિશ્નરે તા.3 ઓગસ્ટે જાહેરનામું બહાર પાડીને જર્જરિત બ્રિજ ભારે વાહનો માટે બંધ કરીને વૈકલ્પિક રૂટની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. કમિશ્નરના જાહેરનામાને ગણતરીના દિવસોમાં વાહનચાલકો ઘોળીને પી ગયા છે. જર્જરિત બ્રિજની બંને બાજુ લગાવેલા બેરીકેડ અને રેલીંગો તોડીને ટ્રક અને અને ભારે માલવાહક ગાડીઓ બિન્દાસ્ત પસાર થઈ રહી છે. ત્યારે કોઈ મોટી દૂર્ઘટના ઘટે તો જવાબદારી કોની રહેશે તેવો સવાલ ઉઠવા પામ્યો છે. જો કે બ્રિજની પાસે પ્રતિબંધિત વાહનો માટે લગાવેલા બોર્ડ શોભાના ગાંઠિયા બની ગયા છે.
ગ્રાઉન્ડ રિપોર્ટમાં સ્થાનિકોના જણાવ્યા મુજબ, બ્રિજ ભારે વાહનો માટે બંધ કર્યાના થોડા દિવસો સુધી બધુ બરાબર ચાલ્યું હતું. પરંતુ જીઆઈડીસીમાં જતાં માલવાહકોને વૈકલ્પિક રૂટમાં ફરીને જવામાં તકલીફ પડતી હોવાના લીધે તેઓ શોર્ટકટ માટે આ પ્રતિબંધિત રોડનો ઉપયોગ કરી રહ્યા છે. બ્રિજની બંને તરફ 9 ફૂટના ભારે વાહનો માટે પ્રતિબંધ લગાવી દેવાયો હોવાની રેલીંગ લગાવી હતી. પરંતુ ગણતરીના દિવસોમાં જ આ રેલીંગો તોડીને ભારે માલવાહક ગાડીઓ પસાર થઈ રહી છે. એટલે ગમે ત્યારે દૂર્ઘટના ઘટે તેવી આશંકા સેવાઈ રહી છે.
50 વર્ષ જુનો બ્રિજ તોડીને નવો બને નહીં ત્યાં સુધી ભારે વાહનો માટે પ્રતિબંધ લગાવાયો છે
વટવા જીઆઈડીસીમાં આવેલા મચ્છુનગર ખારીકટ કેનાલ પરનો બ્રિજ 50 વર્ષ જૂનો હોવાથી જર્જરિત હાલતમાં છે. એટલે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગ અમદાવાદા દ્વારા નિષ્ણાંતો પાસે બ્રિજની ચકાસણી કરાવી હતી. તેમના રિપોર્ટ પ્રમાણે બ્રિજ મોટા અને ભારે વાહનોની અવરજવર માટે સલામત નથી. એટલે ભારે મધ્ય પ્રકારના ભારવાહક અને પેસેન્જર વાહનોની અવરજવર પર તા.4 ઓગસ્ટથી પ્રતિબંધ લાદી દેવાયો હતો. આ બ્રિજ તોડીને નવો બને નહીં ત્યાં સુધી આ પ્રતિબંધનો અમલ કરવાનો આદેશ પણ જાહેરનામામાં અપાયો છે. તેમ છતાં નિયમોનું સરેઆમ ઉલ્લંધન થઈ રહ્યું છે.