યુવકની માતા અને દાદા-દાદીને કહ્યું તમારા છોકરાના હાથ-પગ ભાંગી નાખીશું
પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરતા વ્યાજખોર ધરપકડથી બચવા ભૂગર્ભમાં ઉતરી ગયા
ઈસનપુરમાં રહેતા યુવકે ધંધાના કામે બે વ્યાજખોર પાસેથી 20 ટકા વ્યાજે રૂ. એક લાખ લીધા હતા, જેની સામે ટુકડે ટુકડે કરી કુલ રૂ. 2.41 લાખ ઓનલાઈન ચુકવી દીધા હોવા છતાં વ્યાજખોરોએ યુવકના ઘરે જઈને તેની માતા અને દાદા દાદીને ધમકી આપી હતી કે પૈસા આપી દેજો નહી આપો તો તમારા
દીકરાના હાથ પગ તોડી નાંખીશુ. આ અંગે ઈસનપુર પોલીસે બંને સામે મની લોન્ડરીંગનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
ઈસનપુરમાં રહેતા હર્ષ રામસ્વરૂપ શર્મા (ઉ.23) સાયન્સ સીટી વિસ્તારમાં ઓફિસ ધરાવીને માર્કેટીંગનું કામકાજ કરે છે. પાંચ વર્ષ પહેલા હર્ષની મણિનગરમાં કુમકુમ સોસાયટીમાં રહેતા ધવલ ઉર્ફે ડેની તેજમલભાઈ દેસાઈ અને યશ દેસાઈની સાથે મિત્રતા થઈ હતી.દરમિયાન ગત 26 જાન્યુઆરી. 2023માં હર્ષને ધંધાના તેમજ સામાજિક કામે રૂપિયાની જરૂરપડતા ધવલ પાસેથી રૂ.એક લાખ 20 ટકાના માસિક વ્યાજે લીધા હતા. આ રૂપિયાની સામે હર્ષે અલગ અલગ સમય અને તારીખે ઓનલાઈન રૂ.2.41,575 ચુકવી આપ્યા હતા. આમ છતાં ધવલ અવારનવાર વ્યાજની માંગણી કરતો હતો. ધવલનો ભાઈ યશ દેસાઈ ગત 18 નવેમ્બર, 2024 ના રોજ હર્ષના ઘરે હાજર નહતો ત્યારે આવ્યો હતો અને તેની માતા તથા દાદા દાદીને ગાળો બોલીને તેમના દીકરાના હાથપગ તોડવાની ધમકી આપી હતી ત્યારબાદ હર્ષે ધવલની સાથે વાત કરીને રૂપિયા આપ્યા હોઈ હવે વ્યાજ નહી આપે તેમ કહેતા ધવલે કહ્યુ હતુ કે આ તો અમારુ ફકત વ્યાજ આપ્યુ મુડી લેવાની બાકી છે તેમ કહીને ધમકાવ્યો હતો. આથી અંતે કંટાળીને હર્ષ શર્માએ ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ધવલ અને યશ દેસાઈ સામે ફરિયાદ નોંધાવી છે. બીજી બાજુ પોલીસે બંને વ્યાજખોરને પકડવાની તજવીજ હાથ ધરતા બંને ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે.
અગાઉ વ્યાજખોરોના ત્રાસથી વેપારી ઘર છોડી જતો રહ્યો હતો
ઈસનપુર વિસ્તારમાં થોડા સમય પહેલા એક વેપારી આવી જ રીતે વ્યાજખોરોના ચકકરમાં ફસાયો હતો. જેણે મુડી કરતા પાંચ ગણી રકમ વ્યાજપેટે ચુકવી દીધી હોવા છતાં વેપારીને વ્યાજખોરોએ માનસિક ત્રાસ આપતા તે ઘર છોડીને ચાલ્યો ગયો હતો. હવે ફરી ઈસનપુરમાં વ્યાજખોરો માથુ ઉંચકી રહ્યા છે.