
નારોલમાં વીજકરંટ લાગતા દંપતીના મોતની ઘટનામાં ઘટસ્ફોટ
અમારા ઘરમાં હું મારી બેન અને બનેવી રાતનું ભોજન લઈ રહ્યા હતા. ત્યારે એક સાયકલવાળા ભાઈએ અમને બુમ પાડી કે એક બહેન પડી ગયા છે તેમને ઉભા કરો. એટલે અમે બહાર જઈને જોયુ તો એક મહિલા રોડ પર પડેલી દેખાઈ હતી. એટલે મારા બનેવી મહિલાને ઉભા કરવા જતાં હતા ત્યાં જ મારી બહેને તેમને કહ્યું કે, પડી ગયેલી મહિલાના હાથપગ ધ્રૂજી રહ્યા હોઈ કરંટ લાગ્યો હશે આમ કહી બહેને બનેવીને ત્યાં જતાં રોક્યા હતા. એટલામાં મહિલાનો પતિ એક્ટિવા રોકીને તેમને ઉભા કરવા ગયા તો તેઓ પણ ધડામ દઈને પડી ગયા હતા. એટલે અમને ખ્યાલ આવી ગયો કે તેમને કરંટ લાગ્યો છે. બીજી બાજુ મહિલાના પતિ તો પડયા તેવા હાથપગ પણ હલાવ્યા નહીં. અમને લાગ્યું કે બંનેને કરંટ લાગ્યો છે. એટલે પાડોશમાં રહેતા એક કાકાને જાણ કરી તેમના ફોનથી ફાયર બ્રિગેડને ફોન કરાવ્યો હતો.
ત્યાં સુધી બનાવની ગંભીરતાને લઈને ત્યાંથી અવરજવર કરતા વાહનચાલકોને પણ કરંટ લાગે નહી માટે તેમને રોકવા માટે અમે બુમો પાડી કે આ તરફ આવતા નહી અહીંયા કરંટ લાગે છે. એવી ચેતવણી આપી અમે પાણીથી દૂર ઊભા રહીને ઘણા લોકોને આ રોડ આવતા રોકી દીધા હતા. બાદમાં પોલીસ, ફાયર બ્રિગેડની ટીમ આવી હતી. આ ટીમોએ ચર્ચા કર્યા બાદ કરંટને બંધ કરવા માટે મટન ગલીની બહાર વીજળીની લાઈનો બંધ કરી ત્યારપછી દંપતિને બહાર કાઢ્યા હતા.
જો કે, 6 મહિના પહેલા આ જગ્યાએ વીજળીનો થાંભલો તુટી જતાં તેને કાઢી લેવાયો હતો. તેના ખુલ્લા વાયરોને ટેપપટ્ટી મારીને જમીનમાં દાટી દીધા હતા. પરંતુ વાયરોને યોગ્ય રીતે ટેપપટ્ટી લગાવી ન હોવાના લીધે આ દૂર્ઘટના ઘટી છે. તંત્રે વાયરો યોગ્ય રીતે દાટ્યા હોત તો આ દૂર્ઘટના બનતી જ નહીં.
(નીતાબેન ચુનારા, સ્થાનિક રહેવાસી)