હપ્તા નહી ભરતા કંપનીના ફોનથી યુવકને લોન લેવાયાની જાણ થઈ
યુવકે મિત્રને પૂછતાં, રૂપિયાની જરૂર હોઈ ફોનથી લોન લીધી
જશોદાનગરમા રહેતા દરજીકામ કરતા યુવકના મિત્રએ તેની જાણ બહાર તેના ફોનનો ઉપયોગ કરીને અલગ અલગ ફાયનાન્સ કંપનીઓમાંથી લોન લઈ લીધી હતી. જો કે હપ્તા નહી ભરતા યુવક પર ફોન આવતા તેને સમગ્ર કૌભાંડની જાણ થઈ હતી.આ મામલે યુવકે તેના મિત્ર સામે રૂ આઠ લાખની લોન લઈ છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. જશોદાનગરમા રહેતા હરેશભાઈ જેઠવા (ઉ.33) સિલાઈકામ કરીને પરિવારનુ ગુજરાન ચલાવે છે. ગત જુલાઈ માસમાં તેમના પર કેડ કંપનીમાંથી ફોન આવ્યો હતો.
કે તમે લોન લીધી છે જેના હપ્તા બાઉન્સ થયા છે. આથી તેમણે કહ્યુ હતુ કે મે કોઈ લોન લીધી જ નથી. થોડા સમય બાદ કંપનીમાંથી આવેલા કર્મચારીએ તેમને લોન એપ્લીકેશનમાંથી બતાવતા તેમના નામે 4 લોન ઈશ્યુ થઈ હોવાનુ ખુલ્યુ હતુ. આ ઉપરાંત તેમને સેલ્ફી પણ બતાવી હતી. આ અંગે તેમણે તેમના મિત્ર પાર્થ વૈષ્ણવને ફોન બતાવતા તેણે ફોનમાં પૈસા બજાર નામની એપ્લીકેશનમાં જોતા સાત અલગ અલગ લોન ઈશ્યુ થઈ હોવાનુ ખુલ્યુ હતુ. તેમજ અલગ અલગ બેંકે એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર થયાનુ જણાયુ હતુ. ત્યારબાદ તેમણે સાયબર હેલ્થ લાઈનમાં અરજી કરીને સમગ્ર હકીકતની જાણ કરી હતી.
બીજીબાજુ તેમણે પોતાના મિત્ર સૂરજસિંગ સોઢી( રહે. થરવિહોણા પ્લોટ, ઘોડાસર)ને પુછતા તેણે કહ્યુ હતુ કેમારેબે મહિના પહેલા પૈસાની જરૂર પડતા મે તારી જાણ બહાર તારા મોબાઈલ ફોનથી તારા નામથી અલગ અલગ ફાયનાન્સ ની લોન લીધી છે તેમજ ફોનમાં ઈન્ડસઈન્ડ બેંકના તારા ક્રેડીટકાર્ડનો ફોટો હોઈ તેનાથી મે બીજા અલગ અલગ એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા.
આમ અલગ અલગ મળી કુલ રૂપિયા 8,06,536 ની લોન લઈને વિશ્વાસઘાત કર્યાનુ બહાર આવતા અંતે હરેશભાઈ જેઠવાએ આ મામલે વટવા જીઆઈીડીસીમાં તેમના મિત્ર સૂરજસિંગ સોઢી સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.