અમદાવાદના યુવકની બર્થડે પાર્ટીમાં ભેગા થયા હતા
રોકડ સહિત 59 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
કડી તાલુકાના દેલ્લા ગામમાં આવેલા સૈયદ ફાર્મમાં અમદાવાદના યુવકની બર્થડે પાર્ટીમાં ભેગા થયેલા અમદાવાદ સહિતના લોકો જુગાર રમતા હોવાની બાતમી આધારે બાવલુ પોલીસે છાપો મારી જુગાર રમી રહેલા 59ને ઝડપી લીધા હતા. પોલીસે રૂ.2.14 લાખની રોકડ, રૂ.8.95 લાખના 51 ફોન, રૂ.48 લાખની 10 લક્ઝુરિયસ કાર સહિત રૂ.59 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતી. પોલીસે ઝડપાયેલા 59 લોકો સામે ગુનો નોંધી સૈયદ ફાર્મના માલિકની શોધખોળ શરૂ કરી છે. અમદાવાદના મકરબા રોડ પર હાજી બિલ્ડિંગ ખાતે રહેતા વૈદ્ય હુસેનઅલી રફીકઅહેમદ હુસેનભાઈનો જન્મ દિવસ હોવાથી કડીના દેલ્લા ગામની સીમમાં આવેલા સૈયદ ફાર્મમાં પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં બહારથી આવેલા માણસો જુગાર રમતાં હોવાની બાતમી મળતા પોલીસે રેડ પાડી હતી, જેથી ફાર્મહાઉસમાં જુગાર રમતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. જોકે પોલીસે ફાર્મહાઉસ કોર્ડન કરી તમામ
જુગારીઓને પકડી લીધા હતા.
પોલીસે વૈદ્ય હુસેનઅલી રફીકઅહેમદ સહિત 59 જુગારીને રૂ. 2,14,100ની રોકડ, રૂ. 8,95,000ના 51 ફોન તથા રૂ. 48 લાખની 10 કાર મળી કુલ રૂ.59,09,100નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બાવલુ પોલીસે તમામ સામે ગુનો દાખલ કરી ફાર્મહાઉસના માલિકની શોધખોળ શરૂ કરી છે.