
વિદેશી દારૂની 96 બોટલ અને બિયરના 48 ટીન કબજે
રામોલ પોલીસે સીટીએમ બરોડા એકસપ્રેસ હાઈવે પાસેથી મુંબઈથી કોથળામાં વિદેશી બનાવટના દારૂ અને બિયરનો જથ્થો લઈને અમદાવાદમાં ડીલીવરી કરવા માટે આવેલા યુવકને ઝડપી લીધો હતો. પોલીસે યુવક પાસેથી દારૂની 96 બોટલ અને બિયરના 48 નંગ કબજે કરી દારૂ મંગાવનારાની શોધખોળ આદરી છે.
રામોલ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે એક વ્યકિત કંતાનના પાર્સલમાં દારૂનો જથ્થો લઈને સીટીએમ બરોડા એકસપ્રેસ હાઈવે પર ડિલિવરી કરવા માટે ઉભો છે.
બાતમીના પગલે પોલીસટીમે વોચ ગોઠવીને શંકાસ્પદ યુવકને પુછપરછ કરતા તેનુ નામ રાધવેન્દ્ર નાગેન્દ્ર પાંડે(ઉ.35 રહે. કાર્ટર રોડ બોરીવલી પૂર્વ મુંબઈ મુળ રહે ઉત્તરપ્રદેશ) જાણવા મળ્યુ હતુ. પોલીસે તેની પાસેના કંતાનના પાર્સલની તપાસ કરતા અંદરથી વિદેશી બનાવટની અલગ અલગ બ્રાંડની 96 બોટલ તેમજ બીયરના 48 ટીન મળી આવ્યા હતા. આ મામલે પોલીસે આરોપીની વધુ પુછપરછ હાથ ધરતા તે આ દારૂ બિયરનો જથ્થો નિશિત ઠકકર નામની વ્યકિતઓ મંગાવ્યો હોઈ તેને આપવા માટે આવ્યો હોવાની કબુલાત કરી હતી.પોલીસે આ મામલે પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ આદરી છે.