
કાલુપુરની પેઢીના મેનેજરે ભાંડો ફૂટતાં આવીને હિસાબ પતાવી દેવા કહ્યું, 3 મહિનાથી ગાયબ
કાલુપુરની મીરચી પોળમાં આવેલી આંગડિયા પેઢીનો મેનેજર પેઢીના રૂ.70 લાખ લઈને ભાગી ગયો હતો. ગામડે પ્રસંગમાં જવાનું કહીને એક દિવસની રજા લઈને ગયો હતો. ત્યાર બાદ તે પાછો આવ્યો ન હતો. પરિવારના સભ્યોએ પૈસા આપી દેવાનું કહ્યું હતું, પરંતુ 3 મહિના સુધી કર્મચારી કે પૈસા નહીં આવતા આખરે પેઢીના માલિકે આ અંગે પોલીસ ફરિયાદ કરી હતી.
નવા નરોડાના જયેશભાઈ પટેલની કાલુપુરની મીરચી પોળમાં ભાગીદારીમાં પટેલ મહેન્દ્રભાઈ અરવિંદકુમાર નામની આંગડિયા પેઢી છે. તેમની પોલીસ ફરિયાદ મુજબ, તેમની પેઢીમાં ચાર વર્ષથી હાર્દિક પટેલ મેનેજર હતો. મેમાં હાર્દિક વતન પાટણમાં પ્રસંગમાં જવાનું કહી ગયો હતો. જેથી તેની ગેરહાજરીમાં મેનેજર તરીકે જતીન પટેલને બેસાડાયો હતો. જતીને 24થી 27 મેના હિસાબ ચેક કરતા પેઢીમાં આવેલા 70 લાખનો હિસાબ મળતો ન હતો. આથી હાર્દિકને ફોન કરતા તેણે પ્રસંગ પતાવી બીજા દિવસે આવી જવાનું કહ્યું હતું, પરંતુ તે બીજા દિવસે ન આવતા તેના ઘરે તપાસ કરવામાં આવી હતી. તો તેની માતાએ કહ્યું કે, હાર્દિક ગામડે પ્રસંગ પૂરો કરીને અમદાવાદ માટે નીકળી ગયો છે. આથી હાર્દિકને ફોન કરતા તેણે આવીને હિસાબ અને પૈસા આપી દેવાનું કહ્યું હતંુ. ત્યાર બાદ તેણે ફોન બંધ કરી દીધો હતો.