પાણી મુદ્દે અગાઉ રજૂઆત કરી હતી, છતાં ઉનાળાની શરૂઆતમાં વોર્ડમાં ધીમા પ્રેશરથી પાણીની ફરિયાદો ઉઠી
શહેરના ગોમતીપુર વિસ્તારમાં ઉનાળામાં પાણી ધીમા પ્રેશરથી આવતા હોવાની ફરિયાદો આવે નહીં તે દિશામાં કામ કરવા મ્યુનિ.માં રજૂઆત કરાઈ હતી. તેમ છતાં મ્યુનિ દ્વારા ખાસ કોઈ કામગીરી કરાતી નથી. એટલે ઉનાળાની શરૂઆતમાં જ ગોમતીપુર વોર્ડના વિવિધ વિસ્તારોમાં પાણી આવતા ન હોવાની સમસ્યા ઉભી થઈ છે. જ્યારે આટલુ ઓછું હોય તેમ જુની પાણીની ટાંકીમાં 3 મહિનાથી ક્લોરીન સપ્લાય સંપૂર્ણ બંધ કરી દેવાયો છે. જેના લીધે ક્લોરિન વગરનું પાણી વિસ્તારમાં છોડવામાં આવી રહ્યું હોવાથી પાણી જન્ય રોગો અને રોગ ચાળો ફાટી નીકળવાનો શક્યતા સેવાઈ રહી છે.
આ અંગે સ્થાનિક કોર્પોરેટરના જણાવ્યા મુજબ, વર્તમાન ગરમીની ઋતુ અને રમઝાન માસ હોવાથી અગાઉ અગમચેતીના પગલાં લઈ પાણીની સમસ્યા માટે 2 મહીના અગાઉ વોર્ડના ઊચ્ચ અધિકારીઓની સાથે ગોમતીપુરમાં પાણીની સમસ્યા ઉભી થાય નહીં તેના ભાગરૂપે મિટિંગ કરી હતી. પરંતુ ગરમીની શરૂઆતથી ગોમતીપુર વોર્ડમાં મોટા ભાગની ચાલીઓ સહિતના 25 થી વધારે વિસ્તારમાં ક્યાંક ધીમા પ્રેશરથી પાણી આવે તો ક્યાંક પાણી આવતા જ ન હોવાના કારણે લોકોને હેરાન થવાનો વારો આવે છે. આ અંગે તપાસ કરતા ગોમતીપુર પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલી જુની પાણીની ટાંકીમાં આશરે 5 લાખ ગેલન પાણીનો સપ્લાય વિવિધ ચાલીઓમાં થાય છે. જેમાં છેલ્લા 3 મહિનાથી કલોરીન સપ્લાય પ્લાન્ટ સંપૂર્ણ બંધ છે. કલોરીન પ્લાન્ટ બંધ થવાના કારણે અંડર ગ્રાઉન્ડ ટાંકીમાં બ્લીચીંગના કેરબા કોઈ પણ જાતના માપ વગર નાખવામાં આવે છે.તેમ છતાં પાણીમાં ક્લોરિન સંપૂર્ણ નિલ આવે છે. એટલે કલોરીન વગરનું પાણી છોડવાના કારણે પાણી જન્ય રોગો અને રોગ ચાળો થાય તેવી કામગીરી ખુદ મ્યુનિ કોર્પોરેશન જ કરી રહ્યું છે.
25થી વધારે ચાલીઓમાં પાણીની સમસ્યાથી 10 હજાર રહીશો ત્રાહિમામ્
ડૉક્ટરની ચાલી,સુવા પંખીની ચાલી. હીરાલાલની ચાલી,દેવી પ્રસાદની ચાલી.નુરભાઈ ધોબીની ચાલી.હાજીગફારની ચાલી. શંભુ પટેલની ચાલી, ચારતોડા કબ્રસ્તાનની સામે આવેલી પુજારીની ચાલી,બાકરશાહ રોઝાની ચાલી, નાગપુર વોરાની ચાલી, મણિયાર વાડા.શમશેરબાગ,પાકવાડા,મદની મોહલ્લા,મોહનલાલની ચાલી. ગોમતીપુર ગામની પોળો,હોળી ચકલા,લીમળા પોળ, ખાંડશેરી, જોગણી માંનો ખાંચો,અમરનગર,શંકરાધાચીની ચાલી, મુનીર શેઠનો ટેકરો,શેઠ કોઠાવોરાની ચાલી,ખાડા વાળી ચાલી સહિતના વિસ્તારમાં પાણીની સમસ્યાથી 10 હજાર રહીશો પરેશાન છે.