રિડેવલપમેન્ટ મામલે સ્થાનિક લોકોને વિશ્વાસમાં લીધા વિના પ્રક્રિયા હાથ ધરાઈ હોવાનો લોકોનો આક્ષેપ
ઓફિસ પર સ્થાનિકોની રજૂઆત બાદ મ્યુનિ. યોગ્ય કરવાની ખાતરી આપતા મામલો થાળે પડયો
વિંઝોલમાં ઈડબલ્યુએસના મકાનો જર્જરિત થતા તેને રી ડેવલોપમેન્ટ કરવા માટે કોઈપણ જાતની પૂર્વ જાણ કર્યા વિના મ્યુનિ. દ્રારા પાણી અને ડ્રેનેજના કનેકશન કાપી નાંખવામા આવતા સ્થાનિક રહીશો અને મ્યુનિ. ના અધિકારીઓ વચ્ચે ધર્ષણ થયુ હતુ. આ મામલે બુધવારે પૂર્વ ઝોનની ઓફિસે સ્થાનિક રહીશોએ રજૂઆત કરતા મ્યુનિ. દ્રારા તેમને યોગ્ય પગલાં લેવાની ખાતરી આપતા મામલો થાળે પડયો હતો.
આ અંગેની વિગત એવી છે કે, વોર્ડ નંબર 48, રામોલ-હાથીજણ વોડ, ટીપી સ્કીમ નંબર 90, ફાઇનલ પ્લોટ નંબર 66 ખાતે આવેલ સાઈનાથ એપાર્ટમેન્ટ (EWS ના મકાનો બનાવી તેનું પોઝેશન વર્ષ 2006માં આપવામાં આવ્યું હતું. અહીં કુલ 41 બ્લોકમાં 656 મકાનો છે, જેમાંથી માત્ર 485 મકાનોમાં જ પઝેશન આપવામાં આવ્યું છે. બાકીના 171 મકાનો ખાલી છે.પૂર્વ ઝોનના રેન્ટ વિભાગની બેદરકારીને કારણે આજ સુધી ખાલી મકાનોમાં કોઈને પઝેશન આપવામાં આવ્યું નથી.
ન તો આજ દિન સુધી રેન્ટ વસૂલાત કરી શક્યા નથી. જ્યારે આશરે એક કરોડ રૂપિયા જેટલો ટેક્સ ના નાણા સ્થાનિક ફ્લેટ ના રહીશો જોડે કોર્પોરેશનને લેવાના બાકી છે, જે રેન્ટ વિભાગની જવાબદારી હોવા છતાં તેઓ તેમની કામગીરીમાં નિષ્ફળ સાબિત થયા છે. આ સ્થિતિમાં જર્જરિત થઈ ગયેલા મકાનોને રીડેવલોપમેન્ટમાં લઈ જવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે આ મામલે સ્થાનિક રહીશોને વૈકલ્પિક વ્યવસ્થા કે ભાડુ આપવાની કે તેમને વિશ્વાસમાં લેવામાં આવ્યા નહતા અને અચાનક લીધેલા નિર્ણયને પગલે સમગ્ર આવાસ યોજનાના પાણીના કનેકશનો કાપી નાંખવાની પ્રક્રિયા હાથ ધરવામા આવી હતી.આ સમયે સ્થાનિક લોકોમાં રોષ વ્યાપી ગયો હતો અને પાણીના કનેક્શનો કાપવા માટે આવેલા સ્ટાફ તેમજ મ્યુનિ.ના અધિકારીઓ તેમજ સ્ટાફ સાથે સ્થાનિક લોકો ઘર્ષણ થયુ હતુ.
આ મામલે કોર્પોરેટર ઈકબાલ શેખને જાણ થતા એપાર્ટમેન્ટના ચેરમેન મંગલાબેન, જેન્તીભાઈ જાદવ પિન્કીબેન. મહેન્દ્રભાઈ જાદવ તથા સ્થાનિક રહીશો સાથે કોર્પોરેટર શેખે રજૂઆત કરી હતી નાગરીકોના પાણીનું અને ડ્રેનેજ ના કનેક્શન તાત્કાલિક જોડવામાં આવે. બીજુ હાલ હિંદુ સમાજના તહેવારો ચાલી રહ્યા છે. ગણપતિ અને અન્ય ધાર્મિક તહેવારો આવતા હોવાથી તહેવારો પછી જ રી-ડેવલપમેન્ટની કાર્યવાહી કરવામાં આવે. તેમજ વધુમાં તહેવારો બાદ રહીશોને વિશ્વાસમાં લઈને, કાયદાકીય જોગવાઈઓ સમજાવીને જ કાર્યવાહી કરવામાં આવે એવી માગણી કરવામાં આવી હતી. આ મામલે પૂર્વ ઝોન ના ડેપ્યુટી કમિશનર વી એમ ઠકકરે રજૂઆતને ગંભીરતાથી લઈને જરૂરી અને તાત્કાલિક પગલાં ભરવાની ખાતરી આપી હતી.