બે લોકો સામે ગોમતીપુર પોલીસમાં ફરિયાદ
ગોમતીપુરમાં બે સગાભાઈઓએ મારા વિશે ખોટી વાતો કેમ કરે છે કહીને એક યુવકના કાન ઉપર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દેતા યુવકનો કાન કપાઈ ગયો હતો. આ અંગે ગોમતીપુર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
ગોમતીપુરમાં રહેતા સુફીયાન સલીમભાઈ સંધીએ નોંધાવેલી ફરિયાદ મુજબ ગત ગુરવારે રાતના આઠ વાગે તેઓ તથા તેમના મોટાભાઈ રીઝવાન તથા મિત્ર સાથે ગોમતીપુર ટોલનાકા પાસે ઉભા હતા. આ સમયે સાહીલ સંધી અને તેનો ભાઈ જાવિદ સંધી આવ્યા હતા. આ સમયે સાહીલે સુફીયાનને કહ્યું હતુ કે તું મારા ભાઈને મારા વિશે કેમ ખોટી વાતો કરે છે.
આ સમયે સુફીયાને આવી કોઈ વાત કરી નહોવાનુ કહેવા છતાં સાહીલે ઝઘડો કર્યો હતો. દરમિયાન સાહિલે તેના પેન્ટમાંથી છરી જેવુ હથિયાર કાઢીને હુમલો કરતા સુફીયાનના કાન પર ઘા મારી દેતા કાન કપાઈ જતા લોહી નીકળવા લાગ્યુ હતુ. બીજી વખત સાહિલે ઘા કરતા તેને મોઢાના ભાગે ઈજા થઈ હતી. આ સમયે જાવિદે પણ છરી જેવા હથિયારથી સુફીયાનને જમણી સાઈડે કાનની પાછળ એક ઘા ઝીંકી દેતા ઇજા થઈ હતી. ત્યારબાદ સુફીયાને હોસ્પિટલ લઈ જતા કાનના ભાગે 15 ટાંકા લેવા પડયા હતા.