ઝઘડામાં મધ્યસ્થી થયેલા એક યુવક ઉપર પણ દંડાથી ફરી વળ્યા
વટવામાં ગજાનંદ સોસાયટીમાં રહેતા સતેન્દ્રકુમાર સૂર્યદેવ સિંહ મહાલક્ષ્મી તળાવ ચાર રસ્તા પાસે લારી લગાવીને વેપાર કરે છે. તેમની બાજુમાં અરૂણ શ્રીરામદયાલ પણ શાકભાજીની લારી લગાવે છે અને આશાપુરી રેસીડેન્સી સામે અભયસિંહ ટુનટુનસિંહ પણ શાકભાજીની લારી લગાવે છે. શનિવારે અભયસિંહે સતેન્દ્રની પાસે આવીને તેને કહ્યું હતુ કે તમારે અહીં લારી લગાવવાની નથી અને જો લારી લગાવવી હોય તો લારી રાખવાના મને પૈસા આપવા પડશે. જેથી સતેન્દ્રસિંહે પૈસા આપવાનીના પાડતા લારી લગાવતો નહી કહીને જતો રહ્યો હતો.
દરમિયાન રવિવારે સવારે સતેન્દ્રસિંહે ફુટની લારી લગાવી હતી. આ સમયે અભયસિંહ અને તેના માણસો રીક્ષામાં આવ્યા હતા અને અભયસિંહે કહેવા લાગ્યો હતો કે તને ના પાડી હતી છતાં કેમ તે રોડ પર લારી લગાવી છે. ત્યારબાદ ગાળો બોલીને દંડાથી સતેન્દ્રસિંહને મારવા લાગ્યા હતા. માથામાં દંડો લાગતા લોહી નીકળવા લાગતા બાજુમાં લારી લગાવતા અરૂણે અભયસિંહને ઝઘડો નહી કરવાનુ કહેતા અભયસિંહ અને તેની સાથે આવેલા બે માણસો હાથમાં લાકડાનાં દંડા લઈ સતેન્દ્ર અને અરૂણને દંડાથી મારવા લાગ્યા હતા.
જેમાં અરૂણને પણ ઈજા થઈ હતી. દરમિયાન બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવતા ત્રણે નાસી છુટયા હતા.ત્યારબાદ સતેન્દ્ર અને અરૂણને એલજી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. આ અંગે સતેનદ્રએ વટવા પોલીસ સમક્ષ અભયસિંહ અને તેની સાથે આવેલા અજાણ્યા માણસો સામે ફરિયાદ નોંધાવી છે.