બાઈક હટાવવા મામલે થયેલી તકરારની અદાવત રાખી ચાર શખ્સોએ ભય ફેલાવ્યો
નારોલમાં એવન નગરમાં રહેતા યુવકના ભાઈને સોસાયટીના રસ્તામાં અડચણરૂપ બાઈક હટાવવા મામલે પાડોશી સાથે તકરાર થઈ હતી. જેમાં મારામારી અને ઘર પર ઈંટો મારવામાં આવી હતી. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી. જેની અદાવત રાખીને પાડોશી યુવક તેના ભાઈ અને અન્ય બે એમ કુલ ચાર વ્યકિતઓએ ભેગા મળીને યુવકના ઘરની બહાર પડેલા બુલેટમાં તોડફોડ કરી હતી. એટલુ જ નહી હવામાં એક રાઉન્ડ ફાયરીંગ કરીને સમગ્ર સોસાયટીમાં ભયનો માહોલ ઉભો કરી દીધો હતો. આ અંગે નારોલ પોલીસને જાણ કરતા સ્થાનિક પોલીસ અને એલસીબીની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને ગુનામાં સંડોવાયેલા બે શખ્સોની ધરપકડ કરી તેમની પાસેથી દેશી તમંચો, પિસ્ટલ અને સાત જીવતા કારતૂસ કબજે કરી અન્ય બે આરોપીઓની શોધખોળ આદરી છે.
નારોલ એવન નગરમાં રહેતા શાહબાઝખાન પઠાણ(.ઉ.29) સંયુક્ત પરિવારમાં રહે છે અને મહેમદાવાદમાં ઈંટો બનાવવાનું કામકાજ કરે છે.ગત તા 19 મીએ તેમના નાનાભાઈને પાડોશમાં રહેતા અકરમ ઉર્ફે શેરૂ અન્સારી સાથે સોસાયટીના રસ્તામાં બાઈક અડચણરૂપ હોઈ સાઈડમાં કરવાનુ કહેતા ઝઘડો થતા અકરમે તેને લાફો માર્યો હતો.
આ અંગે ઘરે જઈને શાહબાઝખાનને તેના ભાઈએ વાત કરતા તેઓ અકરમ અન્સારી સાથે વાત કરવા માટે ગયા હતા જો કે ત્યારે તેમની સાથે ફરી બોલાચાલી કરીને તેમના ઘર પર ઈંટો મારી હતી. આ અંગે નારોલ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના બીજાદિવસે તા 20 મીની મોડીરાતે અકરમ અંસારી અને તેનો ભાઈ તથા અન્ય બે વ્યક્તિઓ શાહબાજના ઘર પાસે આવ્યા અને ગાળો બોલીને ધમકી આપવા લાગ્યા હતા. આ દરમિયાન સોહિલ અંસારીએ તેની પાસે રહેલો દેશી તમંચો કાઢયો અને હવામાં એક રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું.
બનાવ બાદ ઝોન-6 એલસીબીની ટીમ ઘટના સ્થળે પોહંચી ગઈ હતી. આ દરમિયાન ઝોન-6 એલસીબી સ્કવોડના પીએસઆઈ મનીષ બ્રહ્મભટ્ટ અને ટીમને બાતમી મળતા ફાયરિંગના ગુનામાં સંડોવાયેલા મોહમંદ અકરમ ઉર્ફે શેરુ અંસારી અને મોહમંદ નુરુદીન ઉર્ફે સાહિલ કુરેશીને દેશી તમંચા અને એક પિસ્ટલ અને 7 નંગ કારતુસ સાથે ધરપકડ કરી છે. આ ગુનામાં ફરાર આરોપી સોહિલ અંસારી અને ઈમરાનની પોલીસે શોધખોળ હાથ ધરી છે.