બંને સોની દુકાન વેચીને નાસી ગયા, 4 વર્ષ રાહ જોઈ હવે ફરિયાદ
વટવામાં રહેતા લેબર કોન્ટ્રાકટરે તેમના ભાઈના લગ્ન લેવાના હોઈ 1.25 કિલો સોનાના દાગીના બનાવવા માટે ઘોડાસરમાં જવેલર્સ પેઢી ધરાવતા બે સોનીને રોકડા રૂપિયા 82.31 લાખ આપ્યા હતા. જો કે બંને સોની દુકાન વેચીને ફરાર થઈ ગયા હતા. આ મામલે વટવા પોલીસ સ્ટેશનમાં બંને સોની સામે છેતરપીંડી અને જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે.
વટવામાં ક્રિષ્નાપાર્ક સોસાયટીમાં રહેતા સોનુસિંહ રાજપાલસિંહ સેંગરના નાનાભાઈ શિવેન્દ્રસિંહના 1 ડિસે.2022ના રોજ લગ્ન નકકી કર્યા હતા. આ પ્રસંગે સોનાચાંદીના દાગીનાની જરૂર હોઈ તેમણે બાલાજી જવેલર્સવાળા શ્યામજી વર્મા અને ભૂપેન્દ્ર સોનીને મળીને સવા કિલો સોનાના દાગીના બનાવવાનુ કહ્યુ હતુ. બંને સોનીએ ઓર્ડરના દાગીના બનાવા માટે રૂપિયાની જરૂર હોઈ ઉછીના રૂપિયા માંગી કુલ રૂપિયા 82.31,595 લીધા હતા.
આ તરફ લગ્ન નજીક આવતા જવેલર્સની દુકાને જતા દુકાન બંધ હતી. આસપાસમાં તપાસ કરતા શ્યામજી વર્મા અને ભૂપેન્દ્ર સોની દુકાન વેચાણ આપીને નાસી ગયા હોવાની જાણ થઈ હતી. દરમિયાન શ્યામજી વર્મા સાથે સોનુસિંહ ફોન પર વાત કરતા તેણે દાગીના બાબતે તેમજ તેમને આપેલા ઉછીના રૂપિયા બાબતે માંગણી કરવી નહી નહીં તો જાનથી જશો અને તમને બરબાદ કરી નાખીશ તેવી ધમકી આપી હતી. ચાર વર્ષ જેટલો સમય વીતી જવા છતાં રૂપિાય નહીં મળતા અંતે વટવા પોલીસ સ્ટેશનમાં શ્યામજી વર્મા અને ભૂપેન્દ્ર સોની સામે છેતરપીંડીની ફરિયાદ નોંધાવી છે.