
બિસમાર રસ્તા,ગટરની વિવિધ સમસ્યા મામલે તંત્ર કામ કરતું ન હોવાનો સ્થાનિકોનો આક્ષેપ
મ્યુનિ.ની બેદરકારીના પગલે રોષે ભરાયેલા નાગરિકોએ બેનરો લગાવીને વિરોધ નોંધાવ્યો
શહેરના વટવા વોર્ડમાં પ્રાથમિક સુવિધાઓને લઈને લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ કામગીરી કરાતી નથી. એટલે વોર્ડમાં વિવિધ વિસ્તારોમાં રસ્તા બિસમાર બની ગયા છે અને ગટરો બેક મારવાની સમસ્યાથી લોકોને હાલાકી ભોગવવી પડે છે. જેના પગલે કંટાળીને નાગરિકોએ ખાડાનગરી-ગટરોથી ઉભરાયેલા વટવામાં આપનું સ્વાગત છે,વટવા એએમસી ઈજનેર વિભાગના અધિકારીઓ ખોવાયેલા છે, લખેલા બોર્ડ લગાવીને સ્થાનિકોએ અનોખો વિરોધ કર્યો છે.
વટવા વોર્ડમાં છેલ્લા ઘણા સમયથી રસ્તા બિસમાર અને ગટરો બેક મારવી અને પીવાના પાણી પ્રદૂષિત આવતા હોવાની તકલીફ છે. જેમાં મખદુમ નગર. એહમદીપાર્ક, સૈયદવાડી, હુસેનાબાદ, શાહીનપાર્ક, ઈલાહી પાર્ક, અલીફનગર, અજીમ પાર્ક, નવાપુરા, નુરનગર, સિલ્વરબંગલોઝ નજીક સહિતના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી રસ્તા ખરાબ થઈ ગયા છે, તો ક્યાંક ગટરો બેક મારતી હોવાની સમસ્યાથી લોકો કંટાળી ગયા છે. આ અંગે સ્થાનિક સોહેલભાઈ શેખે કહ્યું હતું કે, વટવા વોર્ડના ઈજનેર વિભાગના અધિકારીઓ અને દક્ષિણ ઝોનના અધિકારીઓને સમસ્યાઓ મુદ્દે વારંવાર રજૂઆત કરીએ છે. પરંતુ ઈજનેર વિભાગના અધિકારી કામ થઈ જશે, અમે કરી દઈશું જેવા વાયદા કરે છે. પરંતુ કોઈ પણ જાતની કામગીરી કરાતી નથી. એટલે કંટાળીને લોકોએ સ્માર્ટ સિટી અમદાવાદના ખાડા નગરી અને ગટરોથી ઉભરાયેલા વટવામાં આપનું સ્વાગત છે અને અધિકારીઓ ખોવાયેલા છે, ગેટ વેલ સુન એએમસી તેવા સ્લોગન લખેલા બોર્ડ લગાવીને વિરોધ દર્શાવ્યો છે.