ચપ્પુ લઈને આવેલા ચાર શખ્સો સામે ફરિયાદ
અમરાઈવાડીમાં રહેતા યુવકે અગાઉ નોંધાવેલી પોલીસ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ચાર શખ્સોએ તેના ઘરમાં ઘુસી ઉંધમાંથી જગાડી માર મારી છરી બતાવીને ધમકી આપી હતી. આ અંગે યુવકે ચાર શખ્સો સામે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
અમરાઈવાડીમાં રહેતા અતુલકુમાર નાઈ ગત સોમવારે રાતના સાડા બાર વાગે તેમના ઘરમાં સુઈ ગયા હતા. આ રાતે પોણા બે વાગે તેમના ઘરે ભીલવાડામાં રહેતા દિપ તેજા ઠાકુર તથા મિથુન મોર્ય રણજીત ચૌહાણ તથા તેમનો એક મિત્ર આવ્યા હતા.
ઘરની બહાર સુતેલા અતુલકુમારના પિતાને જગાડીને આ ચારેએ અતુલ કયા છે તેમ પુછતા તેમને સવારે આવવાનુ કહેતા તેઓ ઉશ્કેરાયા હતા. અને ચપ્પુ લઈને ઘરમાં ઘુસી ગયા હતા. અને અતુલ કુમારને જગાડીને કહ્યુ હતુ કે અગાઉ અમારા વિરુદ્ધ જે પોલીસ ફરિયાદ કરી છે તે પાછી ખેંચી લેજો નહીં તો તને અને તારા પરિવારને જાનથી મારી નાંખીશુ. આ સમયે અતુલે સમાધાન કરાવાની ના પાડતા તેને આ લોકોએ માર માર્યો હતો. અને મારતા મારતા ઘરની બહાર લાવ્યા હતા. આ સમયે આસપાસના લોકો ભેગા થઈ જતા તેને વધુ માર મારવાથી બચાવ્યો હતો. આ અંગે અતુલકુમારે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ચારે સામે ફરિયાદ નોંધાવી છે.