નોકરીના નામે ઠગાઈ મુદ્દે શાહીબાગ પોલીસમાં ફરિયાદ
શાહીબાગમાં રહેતા એક યુવકને ફેસબુક પર એક મહિલા અને બે યુવકો સાથે મિત્રતા થઈ હતી. જેમાં મહિલાએ યુવકને ડેટાએન્ટ્રીનુ કામ કરવાની નોકરીએ લગાવવાનુ કહીને વિશ્વાસમાં લઈને ઓનલાઈન રૂપિયા 70 હજારની છેતરપીંડી આચરી હતી. આ મામલે યુવકે ત્રણે સામે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
શાહીબાગમાં રહેતા ગૌરવ કોરી (ઉ.35) ખાનગી બેન્કમાં ઓફિસ સ્ટાફ તરીકે નોકરી કરે છે. ત્રણ માસ પહેલા તેમના ફેસબુક એકાઉન્ટમાં મમતા પટેલ (રહે. સેટેલાઈટ) બિરેન રાઠવા (રહે.ગાંધીનગર અને ચિરાગ પટેલની ફ્રેન્ડ રીકવેસ્ટ આવી હતી જેને સ્વીકારતા તેમના વચ્ચે વાતચીત થતી રહેતી હતી. ગત 21 જાન્યુઆરીએ મમતા પટેલ સાથે વાત કરતા તેણે એમએનસી કંપનીમાં ડેટા એન્ટ્રીની નોકરી લગાવવાની વાત કરી હતી. જો કે અગાઉ સાયબર ફ્રોડનો ભોગ બની ચુકયા હોઈ તેને પૈસા આપવાની ના પાડી દીધી હતી. પાંચ દિવસ બાદ બિરેન રાઠવાએ ગૌરવને ફોન કરીને મમતા સાથે નોકરીની વાત થઈ છે તેમ પુછતા હા પાડતા બિરેને મમતા પ્રમાણિક વ્યક્તિ છે હોવાનો દાવો કર્યો હતો.
બિરેનની વાત પર ભરોસો રાખીને ગૌરવ કોરીએ મમતાની સાથે વાત કરતા તેણે એક ક્યુઆર કોડ મોકલી રજીસ્ટ્રેશન માટે રૂપિયા માગતા તેને અલગ અલગ મળી કુલ રૂ. 35 હજાર મોકલ્યા હતા. ત્યારબાદ નોકરીના રજીસ્ટ્રેશન કરવામાં કન્ફર્મેશન માટે બીજા રૂ. 35 હજાર મોકલવાનું કહેતા ગૌરવે ના પાડી હતી. થોડીવારમાં બિરેનનો ફોન આવ્યો હતો અને તેણે રૂપિયા આપી દેવાનુ કહ્યુ હતુ. જેથી એક મિત્ર પાસેથી ઉછીના લઈને મમતાને ફરી રૂ. 35 હજાર મોકલતાની સાથે જ મમતા બિરેન રાઠવા બંનેએ મેસેન્જરમાં તથા વોટ્સઅપમાં મોકલેલા તમામ મેસેજ ડીલીટ કરી દીધા હતા અને ગૌરવને વોટ્સઅપમાં બ્લોક કરી દીધો હતો. આ મામલે શાહીબાગ પોલીસમાં ફરિયાદ કરી છે.