દાણીલીમડામાં હેરાફેરી વેળા પોલીસે પકડી લીધા
રાજસ્થાન આબુરોડના ઠેકા પરથી ઓટોરિક્ષામાં દારૂનો જથ્થો લઈને આવેલા બે ઈસમોને દાણીલીમડા પોલીસે ઝડપી વિદેશી બનાવટનો દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડયો હતો. આ અંગે પોલીસે દારૂ લાવનારા અને ડીલીવરી લેવા આવેલા મળી કુલ ચારની ધરપકડ કરી છે.
દાણીલીમડા પોલીસની ટીમને બાતમી મળી હતી કે કેટલાક લોકો દારૂનો જથ્થો રિક્ષામાં લાવી હેરાફેરી કરી રહ્યા છે. બાતમીના પગલે પોલીસે રહેમાનનગર ફૈસલનગર પાસે વોચ ગોઠવીને એક શંકાસ્પદ રિક્ષાને રોકી તપાસ કરતા તેમાંથી વિદેશી બનાવટના દારૂની 46 બોટલ તથા બિયરના 48 ટીન મળી આવ્યા હતા. આ અંગે રિક્ષાચાલક અફઝલ કાદરભાઈ મીરઝા, અસલમખાન રહેમાનખાન પઠાણ, મોહંમદ રીઝવાન ઈસ્તીયાક અહેમદ અન્સારી અને અરબાઝખાન દિલાવરખાન પઠાણની ધરપકડ કરી હતી.
પોલીસે આરોપીની સામે પ્રોહીબીશનનો ગુનો દાખલ કરી આરોપીઓની પુછપરછ હાથ ધરતા જાણવા મળ્યુ હતુ કે આરોપી અફઝલ મીરઝા અને અસલમખાન બંને રિક્ષા લઈને રાજસ્થાન આબુરોડ ગયા હતા જયાં ઠેકા પરથી દારૂ અને બિયરનો જથ્થો રિક્ષામાં લઈને અમદાવાદ આવ્યા હતા. આ દારૂ અને બિયરની ડીલીવરી લેવા માટે મોહંમદ રીઝવાન અન્સારી અને અરબાઝખાન પઠાણ એકસેસ ટુ વ્હીલર લઈને આવ્યા હતા. જયાં પોલીસે ચારેને ઝડપી લીધા હતા. આમ દારૂબંધી હોવા છતાં બુટલેગરોને જાણે કોઈનો ડર ન હોય તેમ લાગી રહ્યું છે.