ઝાડા-ઊલટી,પેટમાં દુખાવો, કોલેરા જેવા રોગમાં લોકો સપડાયા, શુદ્ધ પાણી આપવામાં તંત્ર નિષ્ફળ
શહેરના દાણીલીમડા વોર્ડના બહેરામપુરાના પરિક્ષિતલાલનગર ક્વાર્ટસ અને ભીલવાસ વાસુદેવધનજીની ચાલીમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી ખૂબ જ ગંદુ આવી રહ્યું છે. જેના કારણે 8 હજારથી વધારે રહીશોને હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ વિસ્તારમા ગંદા પાણી આવતા હોવાથી ઘરે ઘરે લોકો બિમાર પડી રહ્યા છે.
એક એક ઘરમાં ચારથી પાંચ સભ્યો બિમાર પડી રહ્યા હોવાથી અત્યારસુધીમાં 300થી વધુ લોકો ઝાડા-ઉલ્ટી,પેટમાં દુખાવો અને કોલેરા જેવા બિમારીમાં સપડાયા હોવાનું સ્થાનિકો કહે છે. એટલે વિસ્તારમાં રોગચાળો ફેલાયો છતાં મ્યુનિનો ડ્રેનેજ વિભાગ જાણે બિમાર પડી ગયો હોય તેમ આ વિસ્તારની સમસ્યાના ઉકેલ માટે કોઈ કામગીરી કરાતી ન હોવાના કારણે લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.
આ અંગે સામાજિક કાર્યકર રાકેશ વાઘેલાએ જણાવ્યું હતું કે, બહેરામપુરાના પરીક્ષિતલાલ નગર ક્વાર્ટર્સ અને ભીલવાસ વાસુદેવધનજીની ચાલીમાં છેલ્લા 20 દિવસથી ખૂબ જ ગંદુ પાણી આવે છે. જેની સ્થાનિકો દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનનાં અધિકારીઓને ઘણીવાર રૂબરૂ તથા લેખિત-મૌખિક રજૂઆત કરી છે. પરંતુ અધિકારીઓ દ્વારા કામ થઈ જશે તેવી હૈયાધારણા જ આપવામાં આવે પણ કામ થતું જ નથી. આ કામ લંબાવતા ગંદા પાણીનાં લીધે હાલ સ્થાનિકોમાંથી અંદાજે ૩૦૦ થી વધુ લોકો ઝાડા ઉલ્ટી, પેટમાં દુખાવો અને કોલેરા જેવી ગંભીર બીમારીઓમાં સપડાયા છે. જેમાં ૫૦ થી વધુ લોકો સરકારી તથા પ્રાઇવેટ હોસ્પિટલમાં એડમિટ છે. તેમજ સ્થાનિક દવાખાનામાંથી દવા લઈ ઘરે બીમારીની હાલાતમાં ઘરે જ પડયા છે. સરકારી હોસ્પિટલમાં આ બીમારીના કેસો વધી જવાના કારણે જગ્યા ખૂટી પડવાના કારણે એડમિટ થવા લાયક બીમાર વ્યક્તિને માત્ર દવા આપી ઘરે મોકલી દેવામાં આવે છે જેથી તેમની પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. વિસ્તારમાં કોઈ ઘર બાકી નથી જ્યાં કોઈ બીમાર ન હોય. તેમજ પીવાનું પાણી જે ટાંકીમાંથી આવે છે તે ટાંકી સાફ કરાતી જ નથી.