
ફોન ખરીદવા આવ્યા ત્યારે ભાવમાં રકઝક કરી દુકાનદાર પર જીવલેણ હુમલો કર્યો હતો
વટવા જીઆઈડીસી વિસ્તારમાં તાજેતરમાં મોબાઈલની દુકાનમાં ખરીદી કરવા માટે જઈને ભાવતાલ બાબતે રકઝક કરીને દુકાનદારને જાનથી મારી નાંખવાના ઈરાદે ધોકા પાઈપ અને છરીથી હુમલો કરનારી ગેગના સાત સભ્યોની પોલીસે ધરપકડ કરી હતી.
આ અંગેની વિગત એવી છે કે ગત રવિવારે પુનિતનગર ક્રોસીંગ પાસે આવેલા રાધે મોબાઈલ નામની દુકાન પર કેટલાક શખ્સો મોબાઈલ ખરીદવા માટે આવ્યા હતા. આ સમયે દુકાનદાર કમલેશ દિલીપકુમાર સંતાણીએ ભાવ કહેતા સામેવાળાએ રકઝક કરીને ગાળાગાળી કરી હતી.
એટલુ જ નહીં જય હરિસંગ ગઢવી નામના શખ્સે તેના સાગરીતોને બોલાવતા થોડીવારમાં તેના સાગરીતોએ આવીને દુકાનમાં ધમાલ મચાવી હતી. એટલુ જ નહીં કમલેશભાઈને જાનથી મારી નાંખવાના ઈરાદે આ તમામ લોકો ઘોકા પાઈપ છરીઓ લઈને તેમના પર તુટી પડયા હતા.
બાકી હતુ તો છુટા બ્લોક મારી દુકાનમાં તોડફોડ કરી સમગ્ર વિસ્તારને બાનમાં લીધો હતો. આરોપીઓ કમલેશભાઈને ગંભીર ઈજા કરીને નાસી છુટયા હતા. આરોપીઓના આતંકના વીડીયો પણ સોશીયલ મીડીયામાં વાયરલ થયા હતા.
આ અંગે વટવા જીઆઈડીસી પોલીસે ગુનો નોધ્યો હતો. જેમાં ઝોન -6 એલસીબી સ્કોડની ટીમે આ ગુનામાં શામેલ સાત આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં મુખ્ય આરોપી જયકુમાર હરિસિંગ ગઢવી, વિશાલ ઉર્ફે કાલીયો ચંદુભાઈ ગજજર, શુભમ અશ્વિનકુમાર દેશમુખ, કુણાલ મનોજભાઈ બારાપાત્રે, સિદ્ધાર્થ ઉર્ફે બાપુ ઉર્ફે કિશન મહેન્દ્રસિંહ ઝાલા. વિહાર ભૂપતરાય જોશી અને રાકેશ અશોકભાઈ સોલંકીનો સમાવેશ થાય છે.
આરોપીઓમાં જયકુમાર ગઢવી સામે એક તેમજ વિશાલ ઉર્ફે ઉલીયો ગજજર સામે 6, સિદ્ધાર્થ ઝાલા સામે એક અને શુભમ દેશમુખ એક ગુના અગાઉ દાખલ થયેલા છે.