શહેરના નારોલ વિસ્તારમાં આવેલા લાંભા ટર્નિંગ પાસેથી પોલીસ અધિકારી હોવાના રોફ મારીને ફરી રહેલા યુવકની નારોલ પોલીસે ધરપકડ કરી છે. પેટ્રોલિંગ કરી રહેલી નારોલ પોલીસને લાંભા જવાના રસ્તા પાસે એક ફોરવ્હીલર ગાડી ઉભેલી મળી આવી હતી. પોલીસના લાઈટ વાળી ખાનગી વાહન દેખાતા નારોલ પોલીસને શંકા જવા લાગી હતી. નજીક જઈને તપાસ કરતા ગાડીના આગળના કાચ પર લાઈટો લગાડવામાં આવી હતી તથા નંબર પ્લેટ પર પોલીસને સિમ્બોલ લગાવ્યા હતા. ગાડીમાંથી યુવકને ઉતારીને તેની પૂછપરછ કરતા હકીકત જાણવા મળી કે લોકોમાં ડર અને ધાક જમાવવા સારુ થઈને પોલીસ બનીને ફરતો હતો. આ મામલે નારોલ પોલીસે વિરાજ મેઘા નામના યુવકની ધરપકડ કરી છે.
વટવા કેનાલ રોડ પાસે આવેલી વિનાયક રેસીડેન્સીમાં રહેતા વિરાજ નીતીનકુમાર મેઘા નકલી ડીવાયએસપી હોવાનો રોફ જમાવીને ફરતો રહેતો હતો. નારોલ પોલીસે લાંભા ટર્નિંગ પાસેથી ગાડીમાંથી તેની ધરપકડ કરી છે. આરોપી યુવકે તેની ગાડીની નંબર પ્લેટ પર ડીવાયએસપી તથા પોલીસના સિમ્બોલ લગાવેલા હતા. આ ઉપરાંત પોલીસને તેની તપાસ દરમિયાન કમરના ભાગેથી ધારદાર છરી મળી આવી હતી. નકલી ડીવાયએસપીનો રોફ જમાવતા ટપોરી યુવકે ગાડીના આગળના કાચના ભાગે પોલીસની લાઈટ પણ લગાડેલી હતી.
આ મામલે નારોલ પોલીસે આરોપીની પૂછપરછ કરતા પોલીસમાં હોવાનું જણાવ્યું હતું. પરંતુ તેની પાસેથી પોલીસ હોવાના કોઈ આધાર પુરાવા મળી આવ્યા ન હતા. ત્યારબાદ અસલી પોલીસે નકલી પોલીસ બની ફરનારને સબક શીખવાડ્યો અને તેની વિરુદ્ધ ગુનો નોંધીને ગાડી કોના નામે છે અને તે સિવાયની અન્ય વિગતો તપાસવાની શરૂૂઆત કરી છે