ઉપરાછાપરી ઘટનાઓ પછી અધિકારીઓને તેડું
અમદાવાદમાં કથળી ગયેલી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંકુશમાં લેવા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી એ સોમવારે ઈન્ચાર્જ પોલીસ કમિશનર માંડીને ડીસીપી સુધીના અધિકારીઓને તેડું આપીને ગાંધીનગર બોલાવ્યા હતા. જેમાં અમદાવાદમાં ઉપરા છાપરી બનેલી હત્યા સહિતની ઘટનાઓની સમીક્ષા કરી હતી. તેમણે પોલીસને ટકોર કરી હતી કે ગુનેગાર પોલીસથી ડરવો જોઈએ અને સામાન્ય માણસોને એવું લાગવું જોઈએ કે પોલીસ કામ કરી રહી છે. તેવું વાતાવરણ ઉભું કરો. પોલીસને જમીનોના ધંધામાં નહીં પડવા માટે પણ તેમણે ખાસ ટકોર કરી હતી.
અમદાવાદમાં કથળી ગયેલી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પાછળ કયા પરિબળ કારણભૂત છે તેમજ આ પરિસ્થિતિ સુધારવા પોલીસે શું કરવું જોઈએ તેની સમીક્ષા કરવા માટે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ પોલીસની ટીમને ગાંધીનગર બોલાવી હતી. જેમાં ઈન્ચાર્જ પોલીસ કમિશનર અજયકુમાર ચૌધરી, સેકટર-1ના અધિક પોલીસ કમિશનર નિરજ કુમાર બડગુજર, ક્રાઈમ બ્રાંચના સંયુકત પોલીસ કમિશનર શરદ સિંઘલ તેમજ ડીસીપી અજીત રાજીયન સહિતના અધિકારી હાજર રહ્યા હતા.
જુનિયર પોલીસ અધિકારીઓ જમીનના ધંધમાં પડે તો સિનિયર અધિકારીઓનું કામ છે તેમને પાઠ ભણાવવાનું અને જો સિનિયર પોલીસ અધિકારીઓ પણ જમીનના ધંધામાં પડશે તો હું તેમને પાઠ ભણાવીશ.