ટેબલેટ, ઈન્જેકશન ટયુબનું ગેરકાયદે વેચાણ અટકાવવા કવાયત
પૂર્વમાં છેલ્લા એક પખવાડીયામાં પોલીસે નશો કરવા માટે મેડિકલ ટેબલેટ, ઇન્જેક્શન, સોલ્યુશન ટ્યુબ, વિગેરે જેવી નશાકારક ઝેરી વસ્તુઓનો ઉપયોગ કરતા અવનવા નુસ્ખા અજમાવતા લોકોની સામે કડક કાર્યવાહી કર્યા બાદ 2560 જેટલા મેડીકલ સ્ટોરના સંચાલકો તેમજ ડીલરો વગેરેની વટવામાં એક મીટીંગનુ આયોજન કર્યુ હતુ. જેમાં નશો કરવા માટે એનડીપીએસ એકટ હેઠળ નહી આવતી ચીજવસ્તુઓનુ વેચાણ અટકાવવા તેમજ આવા લોકોની માહિતી પોલીસે આપવા સહિતની બાબતોની વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. નશો કરનારને સજાની સાથે નશાની વસ્તુઓનું ગેરકાયદેસર વેચાણ અટકાવવા પોલીસે પ્રશંસનીય કામગીરી કરી હતી.
પોલીસે તાજેતરમાં પંચરની ટયુબ, ઈન્જેકશન તેમજ ટેબલેટ લઈને નશો કરતા લોકોની સામે કાર્યવાહી કર્યા બાદ જે ડીવીઝન એસીપી પ્રદિપસિંહ જાડેજા અને મણિનગર ઈસનપુર, વટવા અને જીઆઇડીસી વટવા પોલીસ સ્ટેશન વિસ્તારના પીઆઈ ડી.પી. ઉનડકટ, આર.એમ.પરમાર, પી.બી.ઝાલા, બી.એસ.જાડેજા તથા સ્ટાફ તેમજ ફૂડ એન્ડ ડ્રગના અધિકારી ડ્રગ્સ ઇન્સ્પેક્ટર એ.એસ.વ્યાસ દ્વારા એક મિટિંગનું આયોજન જીઆઇડીસી ખાતેના વીઆઈ હોલ ખાતે કરાયું હતું. જેમાં આ તમામ વિસ્તારોમાં મેડીકલ સ્ટોર ધારકો, સંચાલકો તેમજ વેપારીઓને બોલાવાયા હતા અને નશાકારક ટેબલેટ અને ઇન્જેક્શન પ્રિસ્ક્રીપશન વગર નહિ વેચાણ કરવા તેમજ વધારે માત્રામાં ઇન્જેક્શન અને મેડિકલ ટેબલેટ લેતા ઈસમોની માહિતી આપવા કહ્યું હતું.