શારદાબેન, LGમાં બાંધકામ પછી લાખોનો ખર્ચ
કમિશનરે જરૂર મુજબ પ્લાનનો પરિપત્ર કર્યો
અમદાવાદમાં મ્યુનિસિપલ કમિશનરે ઈજનેર વિભાગને બિલ્ડિંગ બાંધકામ માટે સંબંધિત વિભાગની લેખિત મંજૂરી મેળવવા સૂચના આપી છે. શારદાબેન અને એલજી હોસ્પિટલના બાંધકામમાં વધારાના ખર્ચને કારણે આ પગલું લેવામાં આવ્યું છે.
2022માં શારદાબેન હોસ્પિટલ માટે 178.26 કરોડના ટેન્ડર આપવામાં આવ્યા હતા, પરંતુ હવે 50 કરોડનો વધારાનો ખર્ચ થશે. એનએમસીની 2023ની ગાઇડલાઇન મુજબ બિલ્ડિંગમાં ફેરફાર કરવાના છે. એલજી હોસ્પિટલ માટે 225 કરોડના ખર્ચે 9 માળની બિલ્ડિંગ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું, પરંતુ નવા નિયમો અનુસાર સુધારા માટે ભલામણો કરવામાં આવી છે. જેનાથી 50 કરોડથી વધુ ખર્ચ થશે. કમિશનરે સ્પષ્ટ કર્યું છે કે, હવે પછી આવી સમસ્યા ન થાય તે માટે જરૂરીયાત મુજબ ટેન્ડરીંગ કરવું. પ્લોટના હેતુફેરની જરૂરિયાત હોય તો એસ્ટેટ વિભાગ સાથે સંકલન કરવું. બિલ્ડિંગ યુઝ પરમિશન અને અન્ય લાયસન્સ કામ પૂર્ણ થાય તે પહેલા મેળવવા જરૂરી છે. 15 મુદ્દાઓની માર્ગદર્શિકા પણ બહાર પાડવામાં આવી છે. પરિપત્રમાં કહેવાયું છે કે, ફાયર, લિફ્ટ, પોલીસ સહિતની પરવાનગી પણ અગાઉથી મેળવી લેવાની રહેશે.