વારંવાર ઉભરાતી ગટર અને પાણીની સમસ્યાથી નાગરિકો હેરાન થઈ ગયા હતા
શાહવાડી, લાંભા, સૈજપુર અને પીપળજ ગામને પાયાની સુવિધા મળશે
શહેરના છેવાડામાં આવેલા લાંભા વોર્ડમાં વારંવાર ડ્રેનેજ અને ગટર ઉભરાવાની સમસ્યાથી નાગરિકોને હેરાનગતિ ભોગવવાનો વારો આવી રહ્યો છે. ત્યારે લાંભા વોર્ડના ચાર ગામમાં રૂ.4.23 કરોડના ખર્ચે પાણી અને ડ્રેનેજ લાઈનનું નેટવર્ક નાંખવા માટે બજેટ ફાળવાયું છે. જેના લીધે આ વિસ્તારોમાં વારંવાર ઉભરાતી ગટર અને પાણીની સમસ્યાના ઉકેલ આવશે.
મ્યુનિ.કોર્પોરેશનના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ લાંભા વોર્ડના ચાર ગામમાં ડ્રેનેજ લાઈનનું નેટવર્ક નાંખવા માટે રૂ.1.51 કરોડ અને પાણીની લાઈનનું નેટવર્ક નાંખવા રૂ.2.72 કરોડનો ખર્ચ કરવા બજેટ ફાળવ્યું છે. મ્યુનિના ઝીરો બજેટમાંથી ફાળવેલા બજેટમાં લાંભા વોર્ડમાં ડ્રેનેજ લાઈનના નેટવર્ક નાંખવા માટે શાહવાડી ગામ માટે રૂ.50 લાખ, લાંભા ગામ માટે રૂ.42 લાખ, સૈજપુર ગામ માટે રૂ.24 લાખ અને પીપળજ ગામ માટેરૂ.35 લાખ બજેટ ફાળવ્યું હતું. પાણીની લાઈનનું નેટવર્ક નાંખવા માટે શાહવાડી ગામમાં રૂ.92 લાખ, લાંભા ગામમાં રૂ.50 લાખ. સૈજપુર ગામમાં રૂ.60 લાખ અને પીપળજ ગામમાં રૂ.70 લાખનો ખર્ચ કરાશે.
લાંભા ગામ તળાવ ઉભરાતા પાણી ભરાવાની સમસ્યા ઉકેલાશે
લાંભા ગામ તળાવનો રૂ.5 કરોડના ખર્ચે વિકાસ કરાયો હતો, પરંતુ તળાવમાં પાણીની આવક સામે તેની જાવક કરવા યોગ્ય વ્યવસ્થા કરાઈ હતી. એટલે તળાવના પાણી ઉભરાઈને રોડ પર ભરાતા હતા. ત્યારે ડ્રેનેજ લાઈનનું યોગ્ય નેટવર્કના અભાવે ગામમાં પાણી ભરાયેલા રહેતા હોવાની ફરિયાદ ઉઠી હતી. હવે લાંભા ગામમાં ડ્રેનેજ લાઈનનું નેટવર્ક નંખાશે તો આ સમસ્યાનો ઉકેલ આવી જશે. જ્યારે તળાવના પાણી ઉભરાવાની સમસ્યાનો ઉકેલ લાવવા પણ લોકો માંગણી કરી રહ્યા છે.