કેશવબાગ પાસેની હોટેલમાં પરિવાર ભોજન કરતો હતો ત્યારે જીવડું દેખાયું
કેશવાબાગ પાસે આવેલી ફાઈવ સ્ટાર હોટેલ આઈટીસી નર્મદામાંથી સાંભારમાંથી જીવડું નીકળતા મ્યુનિ.એ રૂ.50 હજારનો દંડ ફટકાર્યો છે. થોડા સમય પહેલાં વસ્ત્રાપુરની હોટેલ હયાત, જજીસ બંગલો રોડ પર આવેલી પ્રાઈડ હોટેલમાંથી પણ ભોજનમાંથી જીવાત નીકળી હતી.
આઈટીસી નર્મદામાં રોકાયેલા એક પરિવારે બપોરે સાઉથ ઈન્ડિયન ભોજન મગાવ્યું હતું. જમી રહ્યા હતા ત્યારે સાંભારમાંથી જીવડતું નીકળતા તેમણે એક પરિચિતને જાણ કરી તાત્કાલિક મ્યુનિ. ફૂડ વિભાગને જાણ કરી હતી. જેથી આરોગ્ય વિભાગની ટીમે હોટેલમાં તપાસ કર્યા બાદ 50 હજારનો દંડ ફટકાર્યો હતો. મ્યુનિ. આરોગ્ય વિભાગે હોટેલને માત્ર દંડ કરીને સંતોષ માન્યો હતો.
ઉલ્લેખનીય છે કે, અગાઉ વસ્ત્રાપુરમાં આવેલી હોટેલ હયાતમાં સાંભરમાંથી જીવડું નીકળ્યું હતું. જજીસ બંગલો પાસેની પ્રાઈડ હોટેલમાં સૂપમાંથી જીવાત નીકળતા ગ્રાહકે મ્યુનિ.માં ફરિયાદ કરી અને તપાસ બાદ હોટેલનું કિચન સીલ કરી દેવામાં આવ્યું હતું. જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ખાદ્યપદાર્થમાંથી વંદો, મચ્છર, ઈયળ સહિતની જીવાત નીકળવાની 30થી વધુ ઘટના નોંધાઈ ચૂકી છે. આવા એકમો સામે આકરી કાર્યવાહી કરવાને બદલે મ્યુનિ. માત્ર દંડ કરી સંતોષ માને છે.