વેપારી સાઢુભાઈના ઘરે પ્રસંગમાં હતા
સુરતના કાપડના વેપારી અમદાવાદમાં શાહીબાગમાં રહેતા સાઢુભાઈના ઘરે વાસ્તુપૂજનના પ્રસંગમાં હાજરી આપવા માટે આવ્યા હતા ત્યારે તેમની પાર્ક કરેલી કારનો કાચ તોડીચોર રોકડા રૂપિયા 20 હજાર અને દાગીના અને ડોકયુમેન્ટ ભરેલી બેગની ચોરી કરી ગયો હતો. આ અંગે વેપારીએ ફરિયાદ નોંધાવતા શાહીબાગ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
સુરતમાં રહેતા અરૂણભાઈ અગ્રવાલ કાપડનો ઓનલાઈન બિઝનેશ કરે છે. ગત પહેલી જુનના રોજ તેમના શાહીબાગ રહેતા સાઢુભાઈ રાકેશભાઈ અગ્રવાલના ઘરે વાસ્તુપુજનનો કાર્યક્રમ હોવાથી તેઓ પત્ની સાસુ અને સસરાને લઈને સુરતથી નીકળ્યા હતા અને રાતના સાડા આઠ વાગે અમદાવાદ આવ્યા હતા.
તેમણે પોતાની કાર ચંદ્રમણિ હોસ્પિટલની સામે આવેલા મારૂતિ એપાર્ટમેન્ટની બહાર રોડ પર પાર્ક કરી હતી. બાદમાં રાતના સાડા નવ વાગ્યાની આસપાસ સાઢુભાઈને ત્યાંથી જમી પરવારી બહાર નીકળ્યા અને કાર પાસે જઈને જોતા તેમની કારનો પાછળનો દરવાજો કાચ તુટેલો હતો. અંદર તપાસ કરતા કારમાં બેગમાં મુકેલા રોકડા રૂ. 20 હજાર અને સોનાના વીંટી તેમજ તેમના સસરાના ડોકયુમેન્ટ એટીએમ કાર્ડ વગેરની ચોરી થયાની જાણ થઈ હતી.