જેલમાંથી આવ્યા બાદ ફરી વેચાણ શરૂ કર્યું હતું
વાસણાના પેડલર પાસેથી ડ્રગ્સ લાવતો હતો
વીએસ હોસ્પિટલની પાછળ આવેલા મહેતા કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં એમડી ડ્રગ્સનું વેચાણ કરી રહેલા ફરહાન પઠાણની પોલીસે ધરપકડ કરી હતી. તેની પાસેથી રૂ.1.30 લાખની કિંમતનું 13 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. ફરહાન આ પહેલાં પણ એમડી ડ્રગ્સ વેચવાના ગુનામાં પકડાયો હતો અને તે વાસણાના ગુપ્તાનગરના ભાઈજાન નામના શખ્સ પાસેથી એમડી ડ્રગ્સ લાવીને છૂટકમાં વેચાણ કરતો હતો.
વસ્ત્રાલમાં ગુંડા તત્ત્વોએ મચાવેલા આતંકની ઘટનાના પગલે સફાળી જાગેલી સરકારે 100 કલાકમાં રાજ્યભરના ગુંડાઓ સામે કાર્યવાહી કરવા પોલીસને સૂચના આપી હતી, જેના ભાગરૂપે એસઓજીએ અગાઉ ડ્રગ્સના ગુનામાં પકડાયેલા આરોપીઓની યાદી તૈયાર કરી હતી અને હાલમાં તેઓ ક્યાં છે તે દિશામાં તપાસ શરૂ કરી હતી.
પોલીસને જાણવા મળ્યું હતું કે, અગાઉ ડ્રગ્સના ગુનામાં પકડાયેલો ફરહાન ઉર્ફે મીઠી નાસીરખાન પઠાણ (ઉ.25, સંકલિતનગર, જુહાપુરા) જેલમાંથી છૂટીને બહાર આવ્યો છે. આટલું જ નહીં ફરહાન જેલમાંથી છૂટ્યા બાદ વીએસ હોસ્પિટલની પાછળ આવેલા મહેતા કોમ્પલેક્સના બેઝમેન્ટમાં આવે છે અને ત્યાં છૂટકમાં એમડી ડ્રગ્સનું વેચાણ કરે છે, જેના આધારે એસઓજીની ટીમે વોચ ગોઠવી હતી. દરમિયાન પોલીસે ત્યાંથી ફરહાનને ઝડપી લીધો હતો. તેની પાસેથી 13 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતં.