ઘરતરફજતારિક્ષાચાલક ને હુમલાખોરે રોકીને રૂપિયા માગ્યા
ગોમતીપુરમાં રીક્ષાચાલક યુવકે એક વ્યક્તિને હાથ ઉછીના રૂપિયા આપવાનો ઈન્કાર કરતા તેને ગડદાપાટુનો માર મારીને છરીથી હુમલો કરી માથાના ભાગે ઈજા પહોચાડી હતી. હુમલાખોરે યુવકને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે યુવકે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ઓઢવમાં લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા મેહુલભાઈ પટણી (ઉ.28) ભાડાની ઓટોરીક્ષા ચલાવીને પરિવારનુ ગુજરાન ચલાવે છે. ગત તા 27મીના રાતના અઢી વાગ્યાના સુમારે મેહુલભાઈ પોટલીયા ચાર રસ્તાથી ઓઢવ તેમના ઘર તરફ જતા હતા. આ સમયે પ્રકાશ પેટ્રોલપંપ પાસે વિક્રમમીલ નજીક રાહુલ ઉર્ફે હોકો ઉફે બાદશાહે તેમને ઉભા રાખ્યા હતા અને હાથ ઉછીના રૂપિયા માંગ્યા હતા. જે આપવાનો ઈન્કાર કરતા રાહુલ ઉર્ફે હોકો ઉશ્કેરાયો હતો અને ગાળો બોલીને મારામારી શરૂ કરી હતી.
આ દરમિયાન તેણે પોતાની પેન્ટમાંથી છરી કાઢીને મેહુલભાઈ પર હુમલો કરવા જતા તેઓ નીચે વળી જતા માથાના પાછળના ભાગે એક ઘા ઝીંકી દીધો હતો અને જતા જતા જાનથી મારી નાંખવાની ધમકી આપી રાહુલ ઉર્ફે હોકો ચાલ્યો ગયો હતો.
ત્યારબાદ મેહુલભાઈએ જાતે 108માં ફોન કરીને એમ્બ્યુલન્સ બોલાવીને સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ આ અંગે રાહુલ ઉર્ફે હોકો સામે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.