હાઉસિંગ ઈમ્પ્રુવમેન્ટ એન્ડ ઈડબલ્યુએસ આવાસ યોજના કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો
અલગ અલગ 12 વોર્ડના 113 બ્લોકના આવાસોની હાલની સ્થિતિનું ઓડિટ કરી રિપોર્ટ રજૂ કરાશે
શહેરમાં સરકારી આવાસ યોજનાઓ ખાસ કરીને વર્ષો જુના આવાસોના સ્ટ્રકચર ઓડિટ કરીને તેની ક્ષમતા અંગેની ચકાસણી કરવાનો મ્યુનિ.એ નિર્ણય લીધો હતો. આ અનુસંધાને મ્યુનિ.ની હાઉસીંગ ઈમ્પ્રુવમેન્ટ એન્ડ ઈ ડબલ્યુ એસ આવાસ યોજના કમિટીની બુધવારે મળેલી મીટીંગમાં પૂર્વ વિસ્તારના 12 વોર્ડના 113 બ્લોકના 3328 આવાસોનું સ્ટ્રકચરલ ઓડિટ કરવાની કામગીરીને મંજૂરીની મહોર મારી દીધી હતી. આ કામગીરી માટે મ્યુનિએ રૂપિયા 30 લાખ સુધીનો ખર્ચ કરવાનો નિર્ણય કર્યો છે. આ ઓડિટના કામ માટે સુરતની સરદાર વલ્લભભાઈ રાષ્ટ્રીય પ્રૌધોગિક સંસ્થા (S.V.N.I.T)ની નિમણૂંક કરવાનું નક્કી કર્યું છે.
શહેરમાં આવેલા વર્ષો પુરાણા સરકારી આવાસોની હાલત જર્જરિત થઈ ગઈ હોવાની ફરિયાદો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને મળી રહી હતી.તેમાંય અમુક આવાસો 50 વર્ષથી વધુ જુના બાંધકામ જર્જિરત બન્યા હોઈ વારેઘડીએ પોપડા ખરવાની તેમજ દિવાલો નબળી પડી ગઈ હોઈ અકસ્માત સર્જાવાની શકયતાઓ રહેલી હતી. આ દિશામાં સમયાંતરે સ્થાનિક રહીશો તેમજ ચુંટાયેલી પ્રતિનિધિઓ દ્રારા મ્યુનસિપલ કોર્પોરેશન તેમજ રાજય સરકારને રજુઆતો કરવામાં આવતી હતી.
જેને લઈને તમામ સરકારી આવાસોનુ સ્ટ્રકચરલ ઓડિટ કરવાનો મ્યુનિસિપલ કોર્પોરેશનની હાઉસીંગ ઈમ્પ્રુવમેન્ટ એન્ડ ઈડબલ્યુએસ આવાસ યોજના કમિટી સમક્ષ અહેવાલ રજુ કરવામાં આવ્યો હતો. જેમાં બુધવારે મળેલી બેઠકમાં પૂર્વ વિસ્તારમાં 12 વોર્ડમાં આવેલા હાઉસીંગ બ્લોકનું સ્ટ્રક્ચરલ ઓડિટ કરવાની કામગીરીને મંજૂરીની મહોર મારવામાં આવી હતી. 113 બ્લોકના કુલ 3328 આવાસોમાં ઓડિટ કરવાની કામગીરી કરાશે.