આરોપી સામે ગુજરાત-મહારાષ્ટ્રમાં અડધો ડઝન ગુના નોંધાયાનો તપાસમાં ઘટસ્ફોટ
ઈસનપુરમાં રહેતી વિધવા મહિલાનો મેટ્રોમોનીયલ સાઈટ પરથી સંપર્ક કરી મુંબઈના શખ્સે પત્નીથી છુટાછેડા લીધા હોવાનુ કહીને લગ્ન કરવાનો વાયદો કર્યો હતો. સાથે જ પોતે કરોડપતિ હોવાનો ઢોંગ રચીને ગાંધીનગરમાં સાત કરોડ – રૂપિયામાં વિલા બુક કરાવ્યો હતો. એટલુ જ નહીં મહિલાના બે પુત્રોને ધંધામાં સેટ કરવા માટે શોરૂમ બનાવી આપવાની વાતો કરીને મહિલાની ફિકસ ડિપોઝિટ તેમજ સોનચાંદીના દાગીના લઈને ફરાર થઈ ગયો હતો. ઈસનપુર પોલીસે આરોપીને સુરતથી ઝડપી પાડયો હતો. આરોપી સામે સુરત પોરબંદર, મુંબઈ, વડોદરા વગેરે સ્થળે છેતરપિંડી, લૂંટ, અપહરણ અને મારામારીના ગુના નોંધાયા હોવાનુ બહાર આવ્યુ છે.ઇસનપુરમાં રહેતી બે દીકરાની માતા એવી વિધવા મહિલાએ સંતાનોને પિતાની છત્રછાયા મળી રહેશે તેવા આશયથી મેટ્રીમોનીયલ સાઈટ પર બાયોડેટા અપલોડ કર્યો હતો. થોડા દિવસ બાદ મુંબઈના આર્યન પટેલ નામનાપુરુષ સાથે પ્રોફાઈલ મેચ થતા બંને વચ્ચે વાતચીત શરુ કરી હતી. મહિલાએ માતાની હાજરીમાં યુવકને મળવાનું જણાવતા યુવક મહિલાને ઘરે આવ્યો ત્રણ દિવસ રોકાયો હતો. આ દરમિયાનમાં યુવકે મહિલા માટે ગાંધીનગરમાં 7 કરોડનો વિલા અને મહિલા અને તેના દીકરા માટે બે ગાડીઓ પણ બૂક કરાવી હતી. ઉપરાંત દીકરાનેપગભર કરવા માટે ટુ-વ્હીલની ફ્રેન્ચાઈઝી લેવા માટે ઘોડાસરમાં શો-રૂમ ભાડેથી લીધો હતો. ત્યારબાદ ફ્રેનચાઈઝીના રૂપિયા અત્યારે તે આપશે તો ઇન્કમટેક્ષમાં પ્રોબ્લેમ થશે તેમ કહીને મહિલાના એકાઉન્ટમાંથી રૂ.4 લાખ પોતાના એકાઉન્ટમાં લીધા હતા. બીજા દિવસે મહિલાના ઘરની તિજોરીમાં રહેલા રૂ.2.80 લાખના દાગીના લઈને કામથી બહાર જાવ છું કહીને આ યુવક રફુચક્કર થઈ ગયો હતો.જે ડિવિઝન એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ઇસનપુર પીઆઈ બી.એસ.જાડેજા તથા પીએસઆઈ એન.આર. સોલંકીએ આર્યન સુરેશભાઈ પટેલ (રહે. હાલ સુરત મૂળ રહે. બોખીરા ગામ જી. પોરબંદર)ને સુરતથી પકડી પાડયો હતો.
આરોપી લંડનમાં પીઆરઓ તરીકે નોકરી કરતો હતો
આર્યન સુરત યુનિ. ખાતે બીએસસી માઇક્રો બાયોલોજી સુધી ભણેલ છે લંડન ખાતે એમબીએ ફાઈનાન્સનો અભ્યાસ અને સાથે બાર્કેલીસ બેન્કમાં પીઆરઓ તરીકે નોકરી પણ કરતો હતો. માતાપિતા વચ્ચે થયેલ ઝઘડાના કારણે પોતાની માતાએ સ્યુસાઇડ કરતા પિતા સાથે કોઈ સંબંધ રાખેલ નહીં અને મુંબઈ રહેવા ગયો હતો. કોલ સેન્ટરમાં નોકરી દરમિયાન રાજસ્થાનની યુવતી સાથે લગ્ન કરેલા અને એક દીકરો અને દીકરીના જન્મ થયેલ હતા. ત્યારબાદ છુટાછેડા આપ્યા હતા. 2014માં અઢી કરોડની છેતરપિંડી અંગે બે ગુન્હ નોંધાયા અને ત્રણ વર્ષ જેલમાં રહ્યો હતો.