સંબંધ તોડી નાખતા વાહનોમાં તોડફોડ કરી
ખોખરામાં રહેતી યુવતીએ તેના પ્રેમી સાથે સબંધ ઓછો કરી દેતા ઉશ્કેરાયેલા પ્રેમીએ તેના બે સાગરીતો સાથે યુવતીને ઘરે આવીને ગાળાગાળી કરી તોડફોડ મચાવી હતી. આ મામલે ખોખરા પોલીસે પ્રેમી યુવક સહિત ત્રણ વ્યકિતઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ખોખરામાં રહેતી ઈવેન્ટ મેનેજમેન્ટનુ કામ કરી પરિવારને મદદરૂપ થતી યુવતીની ત્રણ મહિના પહેલા ગોમતીપુરમાં રહેતા કરણ ઉર્ફે માંજરા સાથે પ્રેમસબંધ બંધાયો હતો. જો કે કોઈ કારણોસર બંને વચ્ચે ખટરાગ થતા યુવતીએ તેની સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધુ હતુ. વારંવાર ફોન કરતા પ્રેમીના ફોનને પ્રેમિકાએ બ્લોકલીસ્ટમાં મુકી દીધો હતો.
આ વાતથી ઉશ્કેરાયેલો પ્રેમી તેના ત્રણ મિત્રોને લઈને ગત રવિવારે મોડી રાતે યુવતીના ઘરે આવ્યો અને બહાર ઉભો રહીને બુમો બરાડા પાડીને યુવતીને બહાર બોલાવી કેમ મારી સાથે બોલતી નથી કહીને ગાળો બોલવાની શરુ કરી હતી.
યુવતીએ ઘરનો દરવાજો બંધ કરી દીધો હતો. ત્યારબાદ પ્રેમી યુવક અને તેના મિત્રોએ ભેગા મળીને યુવતીની સોસાયટીમાં પાર્ક કરેલા રહીશોના વાહનો તથા અન્ય ચીજ વસ્તુઓની તોડફોડ કરવા લાગ્યા હતા. આ મામલે યુવતીએ ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ખોખરા પોલીસે આ ગુનામાં કરણ ઉર્ફે ભુરીયો બિરાડે અને તેના સાથીદાર કરણ ઉર્ફે છોટુ હિરાપુરે અને અનિલ પ્રજાપતિની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.