રબારી કોલોની, સોનીની ચાલી પરના ટાવરની લાઈટો બંધ રહે છે: સ્થાનિકો
શહેરના પૂર્વ વિસ્તારમાં સ્ટ્રીટલાઈટ અને ટાવર લાઈટો બંધ રહેવાની ફરિયાદો સ્થાનિકો કરી રહ્યા છે. થોડા સમયથી પૂર્વના વિવિધ વિસ્તારોના મુખ્ય માર્ગો પર અંધારપટ જેવી સ્થિતિને પગલે અકસ્માતો થવાની સમસ્યાઓ વકરી હોવાની ફરિયાદો સ્થાનિકો કરી રહ્યા છે. આ વચ્ચે સોનીની ચાલી બ્રિજથી અજિત મીલ જવાના માર્ગ પર પણ જાહેરમાર્ગની લાઈટ બંધ હોવાને પગલે અકસ્માતના કિસ્સા વધ્યા હોવાની સ્થાનિકો ફરિયાદ કરી રહ્યા છે. તંત્ર દ્વારા તાકિદે જાહેરમાર્ગો પરની સ્ટ્રીટલાઈટો અને ટાવર પરની બંધ પડેલી લાઈટોનું સમારકામ કરી શરૂ કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે.
ખોખરાથી સીટીએમ, હાટકેશ્વરથી બાપુનગર, અજીત મિલથી ઓઢવ રીંગ રોડ, નિકોલથી નરોડા માર્ગ, રામોલ સહિત લાંભાના માર્ગો પર સ્ટ્રીટલાઈટો બંધ રહેવાની ફરિયાદો ઉભી થતી હોય છે.
સમારકામ કર્યા બાદ પણ સ્ટ્રીટલાઈટો વારંવાર બંધ રહેવાની સમસ્યાને પગલે સમારકામ યોગ્ય રીતે કરવામાં આવતી ન હોવાની પણ ફરિયાદો સ્થાનિકો કરી રહ્યા છે. ઘણીવાર રાત્રિના સમયે સ્ટ્રીટલાઈટો અને ટાવર લાઈટો બંધ રહેવાની સમસ્યાને પગલે સ્થાનિકોમાં ચોરી અને છેડતી જેવા બનાવોનો ભય પણ જોવા મળતો હોય છે. તંત્ર દ્વારા તાકિદે જાહેર માર્ગોની સ્ટ્રીટલાઈટો અને ટાવરો લાઈટોની યોગ્ય ચકાસણી કરી બંધ પડેલી લાઈટો શરૂ કરવામાં આવે તેવી માગ સ્થાનિકો કરી રહ્યા છે.