પાલડીની ઘટના, લુટારુના સાથીઓ બે મિનિટમાં ડેકી તોડી ફરાર
આંગડિયા પેઢીમાંથી રૂ.15 લાખ લઈ ઘરે જતાં વેપારીને પાલડી જૈન નગર રોડ પર રોકી આ રીતે સ્કૂટર ચલાવે છે કહીં ઝઘડો કરી પૈસા ભરેલા થેલાની ઊઠાંતરી થઈ હતી. બે લુટારુએ ઝઘડો કર્યો અને અન્ય બે સાગરિત બે મિનિટમાં સ્કૂટરની ડેકી તોડી પૈસા લઈ ભાગી ગયા હતા.
પાલડીના અરુણ શાહની નવરંગપુરામાં ઓફિસ છે. હિંમતનગરથી લોખંડના સળિયા માટે ઓર્ડર મળ્યો હતો. ખરીદી કરનારા જયેશભાઈએ પૈસા સીજી રોડ પર આવેલી એમ.એચ. આંગડિયા પેઢીમાં મોકલ્યાનું કહ્યું હતું. જેથી તેઓ ટુ-વ્હીલર પર પૈસા લઈ પાછા આવી રહ્યા હતા ત્યારે બાઈક પર બે લુટારુ હેલમેટ પહેરીને આવ્યા હતા અને ઝઘડો કર્યો હતો. લુટારુના બે સાગરિતે આવી ડેકી તોડી પૈસાની ઉઠાંતરી કરી હતી.
લુટારુ જમાલપુર બ્રિજ પરથી જતા CCTVમાં દેખાયા
2 બાઈક પર આવેલા 3 લુટારુની ભાળ મેળવવા પાલડી પોલીસ અને ક્રાઈમ બ્રાંચે 100 સીસીટીવીના ફૂટેજ જોયા હતા. જેમાં ત્રણેય લુટારુ બંને બાઈક ઉપર જમાલપુર બ્રિજ ક્રોસ કરીને આગળ ભાગ્યાનું જાણવા મળ્યું હતુ. જેથી આગળના રૂટના સીસીટીવી ચેક કરવાનું શરૂ કર્યું હતું.
40 સીસીટીવીમાં બાઈક દેખાઈ, પણ નંબર ન દેખાયો
પોલીસનું કહેવુ છે કે, 40 સીસીટીવીમાં ત્રણેય લૂંટારુ હેલ્મેટ પહેરીને બે બાઈક ઉપર જતા દેખાય છે. પરંતુ એક પણ સીસીટીવીમાં બાઈકનો નંબર દેખાતો નથી. આટલું જ નહીં ત્રણેયે હેલ્મેટ પહેર્યા હોવાથી તેમના ચહેરા પણ દેખાતા નથી.