ગઠિયો કારની આગળ પોલીસની નેમ પ્લેટ મૂકીને આવ્યો હતો
પોલીસ કમિશનર કચેરી નજીક જ નકલી પોલીસ બની વૃદ્ધાને ચેકિંગના બહાને કારમાં બેસાડી દાગીના તથા રોકડની લૂંટ કરી ફરાર થઈ ગયો. વૃદ્ધાએ માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી. દરિયાખાન ઘુમ્મટ પાસે રહેતાં જોહરાબાનુ શેખ (50) મંગળવારે સવારે દીકરીના ઘેર ગયાં બાદ ત્યાંથી નીકળી શાહીબાગ પોલીસ કમિશનર કચેરી નજીક કેન્દ્રીય વિદ્યાલય પાસે પહોંચ્યાં ત્યારે કોઇ વાત કરવા પુત્રીનો ફોન આવતાં તે પુત્રી સાથે ફોન પર વાત કરવા ઊભાં રહ્યાં હતાં.
તેવામાં એક સફેદ રંગની ગાડીના ચાલકે જોહરાબાનુને બોલાવતા તેઓ તેની પાસે ગયાં હતાં. ગાડી પર પોલીસની પ્લેટ પણ હતી અને તે વ્યક્તિએ પોતે પોલીસની ઓળખ આપી તમને ચેક કરવાના છે તેમ કહી જોહરાબાનુને ગાડીમાં બેસાડયા બાદ નકલી પોલીસે જોહરાબાનુએ પહેરેલાં દાગીના અસલી છે કે નકલી તેની તપાસ કરવાનું કહી દાગીના અને પર્સમાંની રકમ લઈ લીધાં હતાં. બાદમાં શિલાલેખ કટ થઇ લાલાકાકા હોલ પાસે જોહરાબાનુને ઉતારીને ફરાર થયો હતો. આ અંગે વૃદ્ધાએ માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે.