બોપલ હિટ એન્ડ રન|બિલ્ડરની ધરપકડ કાયદેસર છે કે નહિ તેની સુનાવણીમાં કોર્ટનો આદેશ
બોપલમાં મર્સિડીઝથી સિક્યોરિટી ગાર્ડનું મોત નીપજાવનારા સગીર પુત્રના બિલ્ડર પિતા મિલાપ શાહની પોલીસે ધરપકડ કર્યા બાદ પોલીસ સ્ટેશનમાંથી જામીન અપાયા હતા. પોલીસે ત્રણ દિવસના રિમાન્ડ મેળવવા ગ્રામ્ય કોર્ટમાં અરજી કરી મિલાપ શાહને રજૂ કર્યો હતો. પરંતુ રિમાન્ડ અરજીની સુનાવણી પહેલાં સગીર પુત્રના પિતાની ધરપકડ કાયદેસર છે કે કેમ તે અંગે સુનાવણી થઈ હતી, જેમાં સગીરે કરેલા અકસ્માતમાં કોનો વાંક છે તે વિશે દલીલો થઈ હતી. જોકે કોર્ટે આરોપી બિલ્ડરને પોલીસ સ્ટેશન લઈ જઈને ત્યાંથી જામીન આપવાનો મૌખિક આદેશ કર્યો હતો.
આ કેસમાં અકસ્માત કરનારા સગીર પુત્રે પરીક્ષાનું કારણ ધરી 24 સપ્ટેમ્બર સુધી વચગાળાના જામીન મેળવ્યા છે. જ્યારે મિલાપ શાહ ધરપકડથી બચવા નારોલમાં મીત કેમિકલ નામની કંપનીની બાજુની ઓરડીમાં અને ત્યાર બાદ સંબંધીના ઘરે રોકાયો હતો. અંતે પોલીસે મિલાપ શાહની બોપલ-આંબલી રોડ પરથી ધરપકડ કરી હતી.