સ્કીમના નામે ઠગાઈની મેઘાણીનગરમાં ફરિયાદ
મેઘાણીનગરમાં મંદિરનું સંચાલન કરતા કરતા કોરોનાકાળમાં ફાયનાન્સ કંપની ખોલીને લોકોને બચત યોજનાના નામે લોભામણી લાલચ આપીને રૂપિયા લઈ પાકતી મુદ્દતે નાણાં પરત નહી આપવા બદલ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં સંચાલક અને તેની સહકર્મચારી સામે રૂ. 2.93 લાખની છેતરપીંડીની ફરિયાદ નોંધાવાઈ છે.
મેઘાણીનગરમાં રહેતા અલ્પાબેન હડીયલના પિતા શહેર પોલીસદળમાં નોકરી કરીને નિવૃત થયા છે. લગ્ન પહેલા અલ્પાબેન અંબિકા સોસાયટીમાં મેલડીમાતાના મંદિરે દર્શન કરવા જતા હતા ત્યારે મંદિરનુ સંચાલન કરતા અરમાન જોશીની દિકરી સાથે મિત્રતા થઈ હતી. અરમાન જોશીએ 2020માં કોરોના વખતે એમપીએફ ડ્રીમ વર્લ્ડ ઈન્ટર નેશનલ નિધિ લીમીટેડ નામની બચત યોજના ખોલી હતી. જેમાં પૈસા રોકવાનુ અલ્પાબેનને તેમની બહેનપણીએ વાત કરી હતી.
લગ્ન બાદ સાસરીયે જતા અલ્પાબેને તેમના પતિને આ બચત યોજના અંગે વાત કરી હતી. ત્યારબાદ 2021માં અરમાન જોશીની દિકરીની ભલામણથી તેઓ આ કંપનીમાં નોકરીએ જોડાયા હતા. તે જસમયે કંપનીમાં સીઈઓ તરીકે હેતલ પટેલ કામ કરતી હતી. આ કંપની ઉપર વિશ્વાસ બેસતા અલ્પાબેને તેમના પિતાને વાત કરી હતી.
દરમિયાન અલ્પાબેનના પિતા અને બનેવીએ બે લાખનું રોકાણ કર્યું હતું. અરમાને સાડા ત્રણ વર્ષે બે લાખના 6.50 લાખ મળશે તેવી લાલચ આપી હતી. યુવતીએ પણ લાખો રૂપિયાની રકમ રોકી હતી અને અરમાને પાકતી મુદતે 19.50 લાખ પરત મળશે તેવી લાલચ આપી હતી. જ્યારે આ ત્રણેય લોકોએ પાકતી મુદતે અરમાન પાસે નાણાં માંગ્યા ત્યારે તેણે ગલ્લા તલ્લા કર્યા હતા. જેથી આ મામલે મેઘાણીનગર પોલીસે અરમાન જોશી અને હેતલ પટેલ સામેરૂ. 2.93 લાખની ઉચાપતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.