20 ટકાથી વધુ વ્યાજ નહીં ચૂકવે તો પરિવારને મારવાની ધમકી
નરોડામાં રહેતા કોન્ટ્રાકટરે મજૂરગામમાં વ્યાજનો ધંધો કરતા શખ્સ પાસેથી 10 ટકા વ્યાજે રૂપિયા લીધા હતા. જેમાં લીધેલી રકમ સામે વ્યાજ સહિતના રૂપિયાની ચુકવણી કરી દીધી હોવા છતાં 20 ટકાથી વધુ વ્યાજની માગણી કરીને કોન્ટ્રાકટર અને તેના પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપતા આ મામલે નરોડા પોલીસ સ્ટેશનમાં વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવાઈ છે.
નરોડામાં શ્યામકુટીરમાં રહેતા હાર્દિકભાઈ પટેલ સરકારી કનસ્ટ્રકશનને લગતા ટેન્ડરનુ કામકામ કરે છે. દરમિયાન મણિનગરમાં કામકાજ ચાલતુ હોઈ તેમને જાણ થઈ હતી તકે મજૂરગામ લક્ષ્મીપુરાની ચાલીમાં રહેતા મનોજભાઈ રેવર વ્યાજે પૈસા આપે છે. જેથી હાર્દિકભાઈ મનોજભાઈ પાસેથી 2023માં પૈસાની જરૂર હોઈ 44લાખ વ્યાજે લીધા હતા. જેના 10 ટકા વ્યાજ સહિતના રૂપિયા ચુકવી દીધા હતા.ત્યારબાદ બીજો વ્યવ્હાર 34 લાખનો કર્યો હતો. આમ વર્ષ 2023 જાન્યુઆરીથી ઓકટોબર સુધીમાં તેમનો વ્યવ્હાર ચાલુ હતો. અને ત્યારબાદ હાર્દિકભાઈએ રૂ. 40 લાખ લીધા હતા. જે પેટે રૂ. 90 લાખ તેમણે ચુકવ્યા હતા.
જેમાં 20 લાખની બેન્કની એન્ટ્રી હતી. ત્યારબાદ બીજા 45 લાખ લીધા હતા જેની સામે 80 લાખ ચુકવ્યા હતા પરંતુ મનોજભાઈએ હાર્દિકભાઈના ઘરે આવીને કહ્યુ હતુ કે મારે તમારી પાસેથી 2 કરોડ 80 લાખ લેવાના બાકી છે. જે રકમ 20 ટકાથી વધુ હોઈ હાર્દિકભાઈએ આપવાનો ઈન્કાર કરતા તેમને રૂપિયા નહી આપે તો તેમને તથા તેમના પરિવારને ભોગવવુ પડશે તેવી ધમકી આપતા હતા.
ગત 12 માર્ચે રાતના મનોજભાઈ તેમની પત્ની અને દિકરો હાર્દિકભાઈના ઘરે ગયા હતા અને હિસાબ બાબતે વાતચીત કરીને રૂ. 2 કરોડ 80 લાખ તો આપવા જ પડશે.ફકત વ્યાજ ચુકવ્યુ છે મુડી તો બાકી છે તેમ કહીને વધુ રૂપિયાની માંગ કરી હતી. આ મામલે હાર્દિકભાઈએ ફરિયાદ નોંધાવી છે.