અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કેસ બાદ સરકારે નિર્ણય જાહેર કર્યો
ગુજરાત સરકારેખ્યાતિ હોસ્પિટલની ઘટના બાદ એક મોટો નિર્ણય જાહેર કર્યો છે. આ નિર્ણય અનુસાર પી એમ જય યોજના સાથે સંકળાયેલી રાજ્યની કોઈપણ હોસ્પિટલ મેડિકલ કેમ્પ યોજી શકશે નહીં. જો કોઈ હોસ્પિટલ આવી કોઇ પ્રવૃત્તિ કરતી જણાશે તો તેની સામે કડક શિક્ષાની જોગવાઇઓ લાગુ કરાશે તેવું પણ સરકારે જાહેર કર્યું છે. રાજ્યના આરોગ્ય વિભાગ હેઠળની તબીબી સેવાઓની શાખાએ જારી કરેલા પત્ર અનુસાર આવા કોઈ મેડિકલ કેમ્પને સરકાર દ્વારા પ્રોત્સાહન અપાતું નથી અને તેમને આવાં કેમ્પ યોજવાના રહેતાં નથી. આરોગ્ય વિભાગના તમામ અધિકારીઓ અને યોજના સાથે સંકળાયેલી હોસ્પિટલોને ઉદ્દેશીને લખાયેલા પત્રમાં જણાવાયું છે કે, આ નિયમને સહુએ ગંભીરપણે પાળવાનો રહેશે.રાજ્યના આરોગ્ય વિભાગનાધ્યાને આવ્યું છે કે, પીએમ જય યોજના સાથે સંકળાયેલી કેટલીક હોસ્પિટલો મરીજોને શોધવા અને તેમના પર શસ્ત્રક્રિયા કરી યોજના હેઠળ સરકારમાંથી પૈસા પડાવવાના આશયથી આવા મેડિકલ કેમ્પ યોજે છે અને ગરીબ દર્દીઓને શિકાર બનાવે છે. આ પ્રવૃત્તિ પર નિયંત્રણ લાવવા માટે આ નિયમ લાગુ કરાયો છે.
ખ્યાતિ હોસ્પિટલ સામે કેસ લડવા ખાસ સરકારી વકીલ નિમાયા
ગુજરાત સરકારે ખ્યાતિ હોસ્પિટલ વિરુદ્ધ અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ ફરિયાદ અદાલતમાં લડવા ગુજરાત સરકારે ખાસ સરકારી વકીલ તરીકે અજય બારોટની નિમણૂક કરી છે. બહોળો અનુભવ ધરાવતા અને મહેસાણા જિલ્લાના મુખ્યસ વકીલ અજય બારોટ હવે સરકાર વતી અદાલતમાં આ કેસમાં હાજર રહેશે.