ગાંધીનગરનો યુવક ઓસ્ટ્રેલિયામાં MBA કરી 20 વર્ષથી રહેતો હતો, પ્રિન્ટિંગ કારોબારી મિત્ર સાથે મળી વટવામાં નકલી ડોલર છાપવાનું શરૂ કર્યું
ડોલર વટાવવા જતી વખતે એકને શંકા જતાં SOGને કહ્યું, ચારની ધરપકડ
અમદાવાદના ઈતિહાસમાં પહેલી જ વખત વટવામાં આવેલા એક પ્રિન્ટિંગ પ્રેસમાંથી ઓસ્ટ્રેલિયાના ડોલર છાપવાનું કૌભાંડ પકડાયુ છે. 20 વર્ષથી પરિવાર સાથે ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયેલા અને ત્યાંજ એમબીએ નો અભ્યાસ પૂરો કરનાર યુવકે અમદાવાદમાં આવીને મિત્રો સાથે મળીને ડોલર છાપવાનું શરુ કર્યું હતુ. મિત્રના પિતાના પ્રેસમાં ડિજિટલ પ્રિન્ટિંગ મશીન લાવીને ડોલર છાપી ધોરણ-10 ફેઈલ 2 મિત્રોને ડોલર વટાવવા મોકલ્યા હતા. જો કે તે બંને એ પણ હેર સલૂનની દુકાનમાં જઈને 55નો એક ડોલર 40માં વેચવાનો પ્રસ્તાવ મુકતા ભાંડો ફૂટી જતા પોલીસે ચારેય મિત્રની ધરપકડ કરી હતી.
એસઓજીના પીઆઈ એમ.એસ.ત્રિવેદી સમક્ષ એક વ્યક્તિએ રજૂઆત કરી હતી કે તેઓ વેજલપુરમાં આવેલી એક હેર સલુનની દુકાને બેઠા હતા. ત્યારે રોનક રાઠોડ નામનો યુવાન ઓસ્ટ્રેલિયન ડોલર વટાવવા આવ્યો હતો. તેણે કહ્યું કે હાલમાં ડોલરની કિંમત રૂ.55 છે. પરંતુ મારે રૂ.40માં આપવાના છે. અત્યારે 6000 ડોલર અને બીજા ટુકડે ટુકડે આપશે. જેથી એસઓજીની ઓફિસે ગયો હતો અને જાણ કરી હતી. જેથી પીઆઈ ત્રિવેદી ટીમ સાથે દુકાને પહોંચતા ત્યાંથી રોનક ઉર્ફે મીત રાઠોડ મળી આવ્યો હતો. તેની પાસેથી ઓસ્ટ્રેલિયાના 50 ડોલરની એક એવી 18 નોટો મળી આવી હતી. જેના આધારે પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી અને ડિજીટલ પ્રિન્ટિંગ મશીનથી ડોલર છાપી રહેલા તેના 3 મિત્ર મૌલિક પટેલ, પ્રુવ દેસાઈ અને ખુશ પટેલને ઝડપી લીધા હતા.
ડોલર છાપવા માટે એક્સ્પોમાંથી 11 લાખમાં ડિજિટલ પ્રિન્ટર ખરીધું હતું
દિવાળી પહેલા ગાંધીનગર હેલિપેડ ખાતે એક એકસપો યોજાયો હતો. જેમાં ચારેય મિત્રો ગયા હતા અને ત્યાંથી આ ડિજિટલ પ્રિન્ટર મશીન લેવાનું નક્કી કર્યુ હતુ. આ મશીન તેમણે રૂ.11 લાખમાં ખરીદ્યું હતું અને તે માટે પૈસા મૌલિકે જ આપ્યા હતા.