મોરૈયા ક્રોસિંગ પાસેના ક્લિનિકમાં જિલ્લા આરોગ્ય વિભાગની કાર્યવાહી
જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે ચાંગોદર વિસ્તારમાંથી છેલ્લાં સાત વર્ષથી એલોપથીની પ્રેક્ટિસ કરતા હોમિયોપથી ડોક્ટરને પકડી પાડયો હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે જિલ્લા આરોગ્ય વિભાગનાં સૂત્રોના જણાવ્યા મુજબ, જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીને માહિતી મળી હતી કે, ચાંગોદરમાં મોરૈયા રેલવે ક્રોસિંગ પાસે અગ્રવાલ ક્લિનિકના નામથી ડો. ચિરાગ અગ્રવાલ ક્લિનિક ચલાવે છે. ડો. ચિરાગ અગ્રવાલ પોતે હોમિયોપથીની (બીએચએમએસ)ની ડિગ્રી ધરાવે છે તેમ છતાં એલોપથીની પ્રેક્ટિસ કરી લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહ્યા છે, જેથી સ્થળ પર જઈને તપાસ કરાઈ હતી. ક્લિનિકમાંથી મોટી માત્રામાં એલોપથીની દવાઓ મળી હતી, જેને પગલે ડો. અગ્રવાલ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની સાથે ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.