મ્યુનિ.એ વર્ષોથી નોટિસો ફટકારી છતાં દબાણો ખસેડાતા ન હતા
ઓઢવમાં શાળા, લાયબ્રેરી, રોડ, ઓવરહેડ વોટર ટેન્કના હેતુવાળુ મ્યુનિ.ના પ્લોટમાં વર્ષોથી ગેરકાયદે બાંધકામ થયેલા હતા. જેને હટાવવા વારંવાર મ્યુનિ દ્વારા નોટીસો ફટકારાઈ હતી. તેમ છતાં બાંધકામો દૂર કરાતા ન હતા. જેના પગલે મ્યુનિ દ્વારા ગુરુવારે વિવિધ પ્રજાલક્ષી સુવિધાઓના હેતુવાળા પ્લોટમાં કરાયેલા 14 કોમર્શયિલ અને 6 રહેણાંક બાંધકામો મળીને કુલ 20 બાંધકામો તોડી પાડીને કુલ 1320 ચો.મીનો પ્લોટ ખુલ્લો કરાયો હતો.
મ્યુનિ.ના પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા ઓઢવના ટીપી સ્કીમ નં.42માં રબારી વસાહતમાં શાળા બનાવવાના હેતુવાળા પ્લોટમાં થયેલા વર્ષો જુના દબાણો હટાવાની કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં 6 રહેણાંક અને 4 કોમર્શિયલ બાંધકામો જેસીબી મશીનથી તોડી પાડ્યા હતા. જેના થકી શાળાના હેતુવાળા પ્લોટમાંથી 910 ચો.મીનો દબાણ થયેલો પ્લોટ ખુલ્લો કરાયો હતો.
તેવી જ રીતે ઓઢવના એફ.પી નં.64 પૈકી ઓઢવ રબારી વસાહતમાં લાયબ્રેરી, રોડ, ઓવરહેડ ટેન્કના હેતુવાળા પ્લોટમાં વર્ષોથી દબાણ થયેલા 10 નંગ કોમર્શિયલ બાંધકામ તોડી પડાયા હતા. જેના થકી રિઝર્વ પ્લોટમાંથી 410 ચો.મીનો પ્લોટ ખુલ્લો કરાયો હતો. આગામી દિવસોમાં પણ પૂર્વ ઝોનના વિવિધ રિઝર્વ પ્લોટમાં થયેલા દબાણો ખસેડવાની કામગીરી એસ્ટેટ વિભાગ દ્વારા કરવામાં આવશે. અત્રે નોંધનીય છે કે પૂર્વ ઝોનના વિવિધ વોર્ડમાં સરકારી અને મ્યુનિ કોર્પોરેશન હસ્તકના રિઝર્વ પ્લોટમાં વર્ષોથી દબાણો થયેલા છે. જેને હટાવવા માટે વારંવાર તંત્ર દ્વારા નોટીસો ફટકારાય છે. છતાં દબાણો ખસેડાતા નથી.