રવિવારે પણ દરોડા ચાલુ રહ્યા, મોટાપાયે દસ્તાવેજો, ડિજિટલ ડેટા જપ્ત
કૌભાંડમાં સંડોવાયેલાં મોટાં માથાં શોધવા અન્ય એજન્સીઓ પણ જોડાઈ
ક્યાંય પણ ઈન્કમટેક્સના દરોડા પડે તો પકડાતી રકમ પોતાની હોવાનો દાવો કરતા કમલેશ શાહ પર ઈન્કમટેક્સની રેડને પગલે સીજી રોડ પર આવેલી આંગડિયા પેઢીના માલિકો પેઢી બંધ કરી રફુચક્કર થઈ ગયા છે. કમલેશ શાહ ઉપરાંત તેમના મળતિયા પર પડેલા દરોડા રવિવારે પણ ચાલુ રહ્યા હતા.
ઈન્કમટેક્સ, જીએસટી, ડીઆરઆઈ અને ઈડી જેવી સંસ્થાઓ કમલેશ શાહના સાયન્સ સિટી ખાતેના ઘર અને ગૌરવ પંચાલની સીજી રોડ પર આવેલી ઓફિસ, રતનપોળની એનઆર કંપનીમાં મળી 15 સ્થળે તપાસ કરી રહી છે. અત્યાર સુધી મોટા પ્રમાણમાં દસ્તાવેજો અને ડિજિટલ ડેટા એકત્ર કરવામાં આવ્યો છે. સમગ્ર કૌભાંડ પાછળ સંડોવાયેલા મોટા માથાના નામો બહાર આવે તેવી શક્યતા છે.
દરોડામાં કમલેશ શાહના વિવિધ દસ્તાવેજ પર સ્ટેટમેન્ટ લેવાની કાર્યવાહી ચાલી રહી છે. આ ઉપરાંત ડિજિટલ ડિવાઇસમાંથી ડેટા એકત્રિત કરવાની, મળતિયાઓના કોલ ડેટાનો અભ્યાસ કરવાની કવાયત ચાલી રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, અધિકારીઓને મોટા ભાગની સફળતા મળી ગઇ છે. બીજી તરફ શુક્રવારે શરૂ થયેલા ઇન્કમટેકસના દરોડાની કાર્યવાહીના પગલે શહેરના સીજી રોડ પર આવેલા તમામ આંગડિયા પેઢીઓના સંચાલકો બંધ કરીને જતા રહ્યાં હતા. શનિવાર અને રવિવારે પણ આંગડિયા પેઢીઓ બંધ રહી હતી.