રઝળતી ગાયને પકડતાં તેના માલિકે બાઈક લઈને પીછો કર્યો હતો
શહેરના રસ્તે રઝળતી ગાયોને પકડવા માટે મ્યુનિ.ના સીએનસીડી વિભાગની ગાડીઓ વિવિધ વિસ્તારોમાં ફરતી હોય છે. ત્યારે મ્યુનિ.ની ટીમે વિનોબાભાવે નગર ખાતે જાહેર રોડ પર ફરતી ગાયને પકડીને ઢોર ડબ્બામાં પુરી દાણીલીમડા ઢોરવાડામાં લઈ જતાં હતા. ત્યારે વટવામાં ચાર લોકોને મ્યુનિ.ની ગાડીને રોકીને પોલીસ કર્મીઓ સાથ તકરાર કરીને ગાયને છોડાવીને ફરાર થઈ ગયા હતા. એટલે મ્યુનિ.ની ટીમ દ્વારા ગાય છોડાવી જનારા ગાયના માલિક સહિત 4 વ્યક્તિ વિરુદ્ધ વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ઢોર ત્રાસ અંકુશ નિવારણ શાખામાં ફરજ બજાવતા પોલીસકર્મી વિષ્ણુ ભાઈ પ્રજાપતિ સાથે મ્યુનિ.ના કર્મીઓ ગત શનિવારે પેટ્રોલિંગ કરતા વિનોબાભાવે નગર પહોચ્યાં હતા. આ સમયે જાહેર રોડ પર ગાય ફરતી દેખાતા CNCD વિભાગના કર્મીઓએ ગાયને ઢોર પુરવાના ડબ્બામાં મૂકી દીધી હતી.
આ જોઈને ગાયના માલિકજેઠા ભાઈ ભરવાડ અને તેમની સાથેના ત્રણ લોકો બાઈકો લઈને કોર્પોરેશનના કર્મીઓની પાછળ ગાયને છોડાવવા માટે આવ્યા હતા. પરંતુ કર્મીઓ ઉભા નહી રહેતા આખરે જેઠાભાઈ ભરવાડ અને તેમની સાથેના લોકોએ વટવા ગુજરાત ઓફસેટ ચાર રસ્તા પાસે ટ્રેક્ટર ધીમું પડતા આગળ બાઈકો લાવીને ઉભા કરી દીધા હતા. બાદમાં મ્યુનિ.ના કર્મીઓ સાથે માથાકૂટ કરી જેઠાભાઈ ભરવાડ અને તેમની સાથેના ત્રણ લોકો ટ્રેક્ટરમાં બાંધેલી ગાયને છોડાવીને લઈને ફરાર થઇ ગયા હતા.