મિત્રને આપેલાં નાણાં પરત માગતાં ચાર શખ્સો સાથે મળીને માર્યો
યુવકની હુમલાખોરો સામે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
શહેરના નારોલમાં યુવકે તેના મિત્રને ઉછીના રૂ.10 હજાર આપ્યા હતા. તેને ઘણા મહિના થઈ ગયા હોવાથી યુવકે તેના મિત્ર પાસે ઉછીના નાણા પરત માંગ્યા હતા. એટલે મિત્રએ અન્ય ત્રણ લોકોને બોલાવીને યુવક પર લોખંડની પાઈપથી હુમલો કરતા તેને ઈજા થઈ હતી. એટલે આ મામલે યુવકે નારોલ પોલીસમાં હુમલો કરનારા ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ આદરી છે.
નારોલમાં ગાયત્રીનગર સોસાયટીમાં રહેતા જય કિશન ઉર્ફે જયદીપ તિવારી (ઉ.31) વટવામાં કલરની કંપનીમાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. થોડા મહિના અગાઉ તેણે મિત્રને ટુકડે-ટુકડે હાથ ઉછીના રૂ. 10 હજાર આપ્યા હતા.
બાદમાં જયારે પણ રૂપિયા માંગતો ત્યારે મિત્ર જુદા-જુદા બહાના બતાવતો હતો. રવિવારે જયકિશને તેના મિત્રને રૂપિયા ચૂકવી દેવા માટે ફોન કરતા સાંજે મળજે તેવું જણાવ્યું હતું. ત્યારબાદ જયકિશન રાતે રાતે જમીને નક્કી કરેલી જગ્યા ગંગોત્રીનગર પાસે રૂપિયા લેવા મિત્રને મળવા માટે પહોંચી ગયો હતો. તેણે રૂપિયા માંગતા મિત્રે રૂપિયા આપવાથી સ્પષ્ટ ઇનકાર કરીદીધો હતો.
જેથી જયકિશને તેના મિત્રને કહ્યું કે જો તું રૂપિયા નહી આપે તો મારે તારા પિતાજીને આ મામલે જાણ કરવી પડશે આટલું બોલતાની સાથે જ આરોપી અને તેની સાથે આવેલા ચાર લોકો યુવકને મારવા લાગ્યા અને લોખંડની પાઈપથી હિચકારો હુમલો કરી દીધો હતો.
વધુ મારથી બચવા માટે જયકિશન તેની સોસાયટીમાં જતો રહેતા ચારેય આરોપી નાસી ગયા હતા. આ મામલે જયકિશને નારોલ પોલીસ સ્ટેશનમાં મારુતિ રંગરાવ મરાઠી, દિનેશ ઉર્ફે ધનીયા રંગરાવ મરાઠી ગુરુ રાજપૂત, મચ્છી વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.