પાણીની ટાંકી નજીકના વિસ્તારમાં જ લોકોને પાણી માટે વલખાં
વારંવાર ફરિયાદો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરાતી નથી
શહેરના ગોમતીપુરના નાગપુરાવોરાની ચાલી અને નળીયાવાળી ચાલીમાં એકમહિનાથી પ્રદૂષિત પાણી આવતા હોવાથી લોકો પરેસાન થઈ ગયા છે. વારંવાર ફરિયાદ કરવા છતાં કોઈ કામગીરી કરાતી ન હોવાથી લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે. પાણીની ટાંકીથી 50 થી 100 મીટરના અંતરે જ આવેલી ચાલીઓ સહિતના વિસ્તારમાં પાણી પુરતા પ્રેશરથી આવતા નથી કે પ્રદૂષિત આવતા હોવાની ફરિયાદો ઊઠી છે. આ મામલે મ્યુનિ તંત્ર તાકિદે અસરકારક કામગીરી કરે તેવી લોકો માંગણી કરી રહ્યા છે.
આ અંગે સ્થાનિકોના જણાવ્યા મુજબ, ગોમતીપુર વોર્ડમાં આવેલી નાગપુરાવોરાની ચાલી નળીયાવાળી ચાલીમાં છેલ્લા એક મહિનાથી પીવાના પાણી ગંદા આવે છે. એટલે ક્યાંકને ક્યાંક ડ્રેનેજ અને પાણી લાઈનમાં મિક્સિંગ થયું હોવાના લીધે સતત ગંદુ પાણી આવતું હોઈ શકે છે. વારંવાર લેખિતમાં મૌખિક અને સોશિયલ મીડિયા દ્વારા વારંવાર મ્યુનિ.કોર્પોરેશનમાં રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા ફક્ત અને ફક્ત પાણીના સેમ્પલો લઈ સંતોષ માને છે. કોઈ નક્કર અસરકારક કામગીરી કરવામાં આવતી નથી. તેમજ ચાલીની બાજુમાં આવેલી અંડર ગ્રાઉન્ડ પાણીની ટાંકી ફક્ત 50 મીટરની અંતરે આવેલી છે છતાં પાણીનું પ્રેશર આવતું નથી.
એટલે પાણી માટે લોકો વલખા મારવાની નોબત આવી છે. આ અંગે તાત્કાલિક અસરથી ઘટતી કાર્યવાહી કરવી જોઈએ આ સમસ્યાને કારણે ચાલીઓમાં રહેતા આશરે બે હજાર જેટલા રહીશોને હેરાન થવાનો વારો આવ્યો છે. સમગ્ર ચાલીઓમાં પાણીજન્ય રોગના કેસોમાં વધારો થયો છે, એટલે વિસ્તારમાં ઝાડા, વોમિટ,ડાયરીયા, કોલેરાના દર્દીઓની સંખ્યા વધી ગઈ છે. આ બાબતે મ્યુનિ.માં અવારનવાર રજૂઆતો કરવા છતાં જવાબદાર અધિકારીઓ બેદરકારી દાખવી રહ્યા છે.